સમગ્ર કચ્છમાં કાળઝાળ ગરમીનો લોકો સામાનો કરી રહ્યા છે. જોકે, છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતાં લોકોને ગરમીમાં થોડીઘણી રાહત અનુભવવા મળી રહી છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૮ મે સુધીમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ત્યારે સરકાર દ્વારા પણ ખેડૂતો તેમજ એપીએમસીઓને માલ પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે ભુજ એપીએમસી ખાતે પણ કમોસમી વરસાદને લઇને ખુલ્લામાં પડેલા માલને શેડમાં મૂકવા માટે ખેડૂતો, વેપારીઓને અપીલ કરવામાં આવી છે.
એપીએમસીમાં ક્યાંય પાણી ન ભરાય તે માટે સાફ સફાઈનો પ્રારંભ કરી દેવામાં આવ્યો
આ તકે ભુજની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)નાં સેક્રેટરી એસ.એસ. બરાડિયાએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગામી ૮મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન વિભાગની આગાહીનાં પગલે ભુજ એપીએમસીનાં કાર્યક્ષેત્રમાં આવતાં ખેડૂતો, વેપારીઓને તેમનો માલ સલામત જગ્યાએ તાત્કાલિક રાખી દેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને જે માલ એપીએમસીમાં ખુલ્લામાં પડયો હોય તે તમામ માલને વેરા હાઉસનાં શેડની નીચે સિફ્ટ કરી દેવામાં આવે તે માટેની વેપારીઓને સૂચના આપવાની સાથે સાથે જે કોઇ માલની હેરફેર કરવાની જરૂર પડે તો તાડપત્રી દ્વારા માલને ઢાંકીને જ હેરફેર કરવામાં આવે તે મુજબનાં તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત એપીએમસીમાં ક્યાંય પાણી ન ભરાય તે માટે સાફ સફાઈનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને અગાસીમાં કે કેનાલમાં પાણી ન ભરાય તે માટે જરૂરી એવી સાફ સફાઈની કામગીરી હાલ પણ ચાલુમાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
એપીએમસીમાં 15-20 હજાર સ્ક્વેર ફૂટના વિશાળ શેડ
ભુજ એપીએમસીમાં વેપારીઓ દ્વારા મોટાભાગે પોતાનાં માલનો બહાર ખુલ્લામાં ખડકલો કરતા હોય છે, પરંતુ કમોસમી વરસાદની આગાહીને પગલે માલમાં ભેજ ન લાગે તે માટે તમામ માલને શેેડ નીચે સુરક્ષિત રાખવા માટે એપીએમસી દ્વારા વેપારીઓને સૂુચના આપી દેવામાં આવી છે. કારણે એપીએમસીમાં પૂરતા પ્રમાણમાં જગ્યા ઉપલબ્ધ છે, જેને કારણે તમામ માલ શેડ નીચે આવી શકે તેમ છે. કારણ કે, હાલે એપીએમસીમાં ૧૫ થી ૨૦ હજાર સ્ક્વેર ફૂટનાં વિશાળ શેડ છે, આ ઉપરાંત ૨૦૦ જેટલા ગોડાઉનો પણ છે જે તમામ વેપારીઓને ફાળવી દેવામાં આવ્યા છે. આમ પૂરતી જગ્યા છે, જેને કારણે કોઇપણ વેપારીઓની માલ પલળે નહીં.
એરંડા, ઈસબગુલ, ગુવાર, ધાણા તેમજ રાયડાની થોકબંધ આવક
હાલ ભુજ એપીએમસી ખાતે ખાસ કરીને એરંડા, ઇસબગુલ, ગુવાર, ધાણા તેમજ રાયડો સહિતની જણસ મોટા પ્રમાણમાં માર્કેટમાં ઠલવાઇ રહી છે. સ્વાભાવિક પણે જ હાલે સીઝન ચાલુ હોવાને કારણે એપીએમસીમાં માલનો ભરાવો થતો હોય છે. પરિણામે ખેડૂતો અને વેપારીઓને કેટલોક માલ ગોડાઉનની બહાર પણ રહેતો હોય છે. જેને કારણ હાલે એપીએમસીમાં બહારની સાઇડમાં પણ એટલા જ પ્રમાણમાં માલનો ખડકલો જોવા મળી રહ્યો છે, પરંતુ હજુ સુધી કમોસમી વરસાદ પડયો નથી તેમજ વરસાદની પહેલાથી જ આગાહી કરી દેવામાં આવી હોઈ એપીએમસીને આ વખતે પૂરતો સમય પણ મળી ગયો છે, જેને કારણે બહાર પડેલા માલને પણ શેડમાં મૂકવાની વ્યવસ્થા કરી શકાશે.
પોતાના જોખમે અને ખર્ચે અમુક જણસને બહાર રાખતા વેપારીઓ
વેપારીઓ દ્વારા રોજેરોજ આવતી જણસને કારણે ઘણોખરો માલ શેડની બહાર રાખેલો અત્યારે જોવા મળી રહ્યો છે. જોકે, માલની ગુણીઓના જે રીતે ખુલ્લામાં થપ્પા મારવામાં આવ્યા છે, તેને ધ્યાને લઈને પણ વેપારીઓને અવાર નવાર સૂચનાઓ આપી દેવામાં આવી છે કે, તેમનો પોતાનો માલ તાત્કાલિક અસરથી સુરક્ષિત જગ્યાએ રાખી દેવામાં આવે. પરંતુ અમુક જણસ એવી પણ હોય કે જે ખુલ્લામાં રાખવામાં આવે તો પણ કોઇ નુક્સાન થતું નથી. દાખલા તરીકે એરંડા કે જેને વરસાદને કારણે સર્જાતા ભેજથી નુક્સાન થતું નથી પરિણામે આવી જણસને વેપારીઓ પોતાનાં જોખમે અને ખર્ચે બહાર રાખતા હોય છે, એમાં એપીએમસીને કોઇ વાંધો હોતો નથી.