ભુજ નગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રથમ માસે જ રૂપિયા 1.7 કરોડની વસુલાત કરવામાં સફળતા મેળવી છે. પાલિકા દ્વારા એપ્રિલથી મિલકત ધારકોને ચાલુ વર્ષના વેરાની ભરપાઈ ઉપર 10 ટકા રિબેટનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. જેનો પ્રથમ માસમાં જ 2,503 મિલકત ધારકોએ લાભ લીધો હતો. નગરપાલિકા દ્વારા આગામી જૂન માસ સુધી મિલકત ધારકોને 10 ટકા રિબેટનો લાભ આપવામાં આવશે.
10 ટકા રિબેટનો લાભ આપવામાં આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા 2024-2025 દરમ્યાન રૂપિયા 22 કરોડની વસૂલાતનો ટાર્ગેટ નિયત કરવામાં આવ્યો હતો. જેની સામે રૂપિયા 22.66 કરોડની વસુલાત કરી હતી, ત્યારે ચાલુ વર્ષે પણ પાલિકા દ્વારા રૂપિયા 22 કરોડની વસૂલાતનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ બાબતે વધુ માહિતી આપતાં પાલિકાના ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ 2025-2026 માટે વેરા વસુલાતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે નવા નાણાકીય વર્ષના પ્રથમ માસમાં જ પાલિકાને રૂપિયા 1,07,86,009 વેરા પેટે વસૂલાત થઈ ગઈ છે. હાલ પાલિકા દ્વારા મિલકત ધારકોને ચાલુ વર્ષના વેરાની ભરપાઈ ઉપર 10 ટકા રિબેટનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. જેનો પણ અત્યાર સુધીમાં 2,503 મિલકત ધારકોએ લાભ લીધો છે. આ જ રીતે આગામી જૂન માસ સૂધી મિલકત ધારકોને વેરાની ભરપાઈ પર 10 ટકા રિબેટનો લાભ આપવામાં આવશે.
વધુમાં તેમણે જે મિલકત ધારકોના ગત વર્ષના વેરા ભરપાઈ કરવાના બાકી છે, તેવા મિલકત ધારકોને રિબેટ યોજનાનો લાભ મળશે નહીં તેમ જણાવી ઉમેર્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગત વર્ષે રૂપિયા 22 કરોડની વેરા પેટે વસૂલાતનો ટાર્ગેટ નિયત કરવામાં આવ્યો હતો. જેની સામે રૂ. 22.66 કરોડની વસૂલાત કરવામાં સફળતા મળી હતી, ત્યારે ચાલુ વર્ષે પણ પાલિકા દ્વારા 42,000થી વધુ મિલકત ધારકો પાસેથી રૂપિયા 28 કરોડ જેટલી વસૂલાત કરવાની થાય છે. તેની સામે પાલિકા દ્વારા રૂ. 22 કરોડની વસુલાતનો ટાર્ગેટ નિયત કરવામાં આવ્યો છે.
નગરપાલિકા દ્વારા ટેક્ષ પેટે રૂ. 94,99,824ની વસુલાત કરાઈ
ભુજ પાલિકા દ્વારા નવા વર્ષના પ્રથમ માસમાં જ વેરા પેટે રૂપિયા 1,07,86,009ની વસુલાત કરવામાં સફળતા મળી છે, તેમાં મુખ્યત્વે ટેક્ષ પેટે રૂપિયા 94,99,824ની વસુલાત કરાઈ છે. જ્યારે વ્યવસાય વેરા પેટે રૂપિયા 11,95,311ની અને દુકાન ભાડું, ઓનરોડ, હોર્ડિગ્સ ભાડુ મળીને કુલ રૂપિયા 90,874ની વસુલાત કરવામાં આવી છે.
150 જેટલા મિલકત ધારકોએ ઓનલાઈન વેરા ભર્યા
નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રથમ માસમાં 2,503 મિલકત ધારકોએ પોતાના બાકી વેરાની ભરપાઈ કરી છે, તેમાંથી 2,353 જેટલા મિલ્કત ધારકોએ નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂમાં આવીને વેરા ભર્યા છે, જ્યારે 150 જેટલા મિલકત ધારકોએ પોતાના બાકી વેરાની ઓનલાઈન મારફતે ભરપાઈ કરવામાં આવી છે.