પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ સર્કલના ભુજ, નખત્રાણા અને માંડવીમાં આવતા 19 સબ ડિવિઝનો હેઠળના અંદાજિત 4,50,000 જેટલા ગ્રાહકોને ચોમાસા દરમ્યાન અવિરતપણે વીજ પ્રવાહ મળી રહે તે માટે વિભાગ દ્વારા હાલ પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ફિડરવાઈઝ ત્રણ ત્રણ ટીમો દ્વારા કેબલને નડતરૂપ ટ્રી કટિંગ, જમ્પરની સફાઈ, મરામત સહિતની કામગીરી, કેબલ બદલવા, ટ્રાન્સફોર્મર બદલવા, ટ્રાન્સફોર્મરની ફરતે અબોલ જીવોની સુરક્ષા માટે મુકાયેલી ફેન્સિંગની મરામત સહિતનો સમાવેશ થાય છે.


ભુજ કચેરી હેઠળ આવતા 6 તાલુકામાં કામગીરી કરાઈ

આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ કચ્છ પીજવીસીએલના વડા બી.સી. રાઠોડે જણાવ્યું હતું કે પીજીવીસીએલ દ્વારા આગામી ચોમાસાને ધ્યાને લઈને પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતાં 6 તાલુકા ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી અને મુન્દ્રા તાલુકામાં કુલ 38 અર્બન ફિડરો અને 193 જ્યોતિગ્રામ ફિડરોમાં હાલે પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી રહી છે. ટીમો દ્વારા દરરોજ 5થી 6 ફિડરની મરામતની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યત્વે ટ્રી કટિંગ, જમ્પરની મરામત, કેબલ બદલવા, ટ્રાન્સફોર્મર બદલવા, ટ્રાન્સફોર્મરની ફરતે ફેન્સિંગ સહિતની કામગીરી પીજીવીસીએલની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે.

15 જુન સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. અંતમાં તેમણે ગત ઉનાળા દરમ્યાન વિવિધ ટ્રાન્સફોર્મરો ઉપર વીજલોડ વધી જતાં ટ્રાન્સફરો ફેઈલ થવાની કે બળવાની ઘટનામાં વધારો થયો હતો અને તેની મરામત પાછળ પણ ઘણો સમય જતાં લોકોને વીજ પ્રવાહ મેળવવામાં વિક્ષેપ પડતો હતો, ત્યારે આ ઉનાળામાં પીજીવીસીએલના ગ્રાહકોને આવી કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે અને અવિરત પણે વીજ પ્રવાહ મળી રહે તે બાબતેને ધ્યાને લઇને ટ્રાન્સફોર્મરોના લોડ વધારવા, કેબલોની ક્ષમતા વધરાવા સહિતના પગલા લેવામાં આવ્યા છે. જેના કારણે આ વખતે વરસતા વરસાદમાં પણ વીજ પ્રવાહ વિક્ષેપ થવાની સમસ્યા નહીં સર્જાય.

નાની ક્ષમતાના 1068 ટ્રાન્સફોર્મરોને મોટી ક્ષમતામાં અપગ્રેટ કરાયા

ઉનાળા દરમ્યાન બપોરે તેમજ રાત્રીનાં સમયે એસી, પંખા સહિતનાં ઉપકરણોનો વપરાશ વધી જતો હોય છે. જેના કારણે સ્વાભાવિક પણે વિજળીની ખપત વધી જાય છે. જેના કારણે સ્વાભાવિકપણે જ ટ્રાન્સફોર્મરો ઉપર તેનો મહત્તમ લોડ પડતો હોય છે. જેના પરિણામે ટ્રાન્ફોર્મરો બળવા સહિતની ઘટનાઓ બનતી હોય છે. તેને બદલવા સહિતની કામગીરી પાછળ સમય પણ લાગતો હોય છે, ત્યાં સુધી વીજ પ્રવાહ પણ બંધ રહેતો હોય છે, પરંતુ આ ઉનાળામાં આવી કોઇ ઘટના નહીં બને. કારણ કે 6 તાલુકામાં જ્યાં જ્યાં નાની ક્ષમતા વાળા ટ્રાન્સફોર્મરો હતાં તેને બદલી નાખવામાં આવ્યા છે. કુલ 1068 ટ્રાન્સફોર્મરોને મોટી ક્ષમતામાં અપગ્રેડ કરી નાખવામાં આવ્યા છે.

એલટીએબી કેબલને 34ની સાઈઝમાંથી 50ની સાઈઝમાં અપડેટ કરાઈ

ટ્રાન્સફોર્મરોની ક્ષમતામાં વધારો કરીને અપગ્રેડ કરવાની સાથે સાથે પીજીવીસીએલ દ્વારા લોકોના ઘર સુધી પહોંચતા એલટીએબી કેબલની પણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગ્રાહકોના સુધી વીજ પ્રવાહ 34ની સાઇઝના કેબલ દ્વારા પહોંચાડવામાં આવતો હતો. જેના કારણે કેબલ ઉપર પણ લોડ પડતો હતો. વાયર ગરમ થવા તેમજ બળવાની ઘટના બનતી હતી, પરંતુ હવે જ્યારે ટ્રાન્સફોર્મરની ક્ષમતાને અપગ્રેડ કરી નાંખવામાં આવી છે. તેમજ આ એલટીએબી કેબલની ક્ષમતા પણ વધારીને 50ની સાઇઝની કરવામાં આવી રહી છે. આ કામગીરી હાલે છ તાલુકામાં ચાલુમાં છે. પીજીવીસીએલ દ્વારા કુલ 2,941 કીલોમીટર કેબલ નાખવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેને ટુંક સમયમાં પૂર્ણ પણ કરી લેવામાં આવશે.

510 કિ.મી 11 કેવીના એવીસીસી કોટેડ કેબલ નાખવાની કામગીરી પૂર્ણ

પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અવિરત પણે વીજ પ્રવાહ મળી રહે તેવા લક્ષ્યાંક સાથે પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી રહી છે. હાલે ટ્રાન્સફોર્મર, કેબલ અપડેટ કરવાની સાથે સાથે જુની વીજલાઇનો દૂર કરીને તેની જગ્યાએ કોટેડ કેબલ નાખવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 510 કીલોમીટર ઇલેવન કેવીના એવીસીસી કોટેડ કેબલ નાંખવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, અને બાકીના કેબલ નાખવાની કામગીરી પણ હાલમાં ચાલુમાં છે. તે આગામી દિવસોમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ વીજ વાયરોને કારણે વિજ પ્રવાહમાં વિક્ષેપ સર્જાવાનો પ્રશ્ન મહદઅંશે હલ થઇ જવા પામશે.

ટ્રાન્સફોર્મર ફરતે ફેન્સિંગ માટે રૂ.30 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો

પીજીવીસીએલ દ્વારા ભુજ સીટી-1માં 781 ટ્રાન્સફોર્મર, સીટી-2માં 597 તેમજ માધાપરનાં મળીને કુલ 2239 ટ્રાન્સફોર્મરો દ્વારા લોકો સુધી વીજ પ્રવાહ પહોંચાડવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન ટ્રાન્સફોર્મર નીચે અબોલ જીવો વરસાદથી બચવા કે નીચે ઉગેલા ઘાસને આરોગવાનો પ્રયાસ કરતા હોય છે. તે સમયે વીજ શોક લાગવાની પણ ઘટના બનતી હોય છે. આવી ઘટના ન બને તે માટે પીજીવીસીએલ દ્વારા તમામ ટ્રાન્સફોર્મની ફરતે ફેન્સિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ભુજ સીટી-1 અને 2માં કામગીરી થઈ ગઈ છે, જ્યારે માધાપરમાં જ્યાં જ્યાં નવા ટ્રાન્સફોર્મરો લગાડવામાં આવ્યા છે તેની ફરતે ફેન્સિંગની કામગીરી ચાલુમાં છે. આ સિવાય જે જગ્યાએ ફેન્સિંગ તૂટી ગઇ હોવાથી તેની મરાંમત સહિતની કામગીરી માટે પીજીવીસીએલ દ્વારા રૂ. 30 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

  • Follow us on: