ભુજ શહેરના વોર્ડ નંબર 7 અને 8ના 15 જેટલા વિસ્તારોને નિયમિત રીતે પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા આજથી બે વર્ષ પહેલા અમૃત યોજનામાંથી હિલગાર્ડન પાસે 50 લાખ લીટરની પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી હતી. અહીં નર્મદાના એરવાલ્વમાંથી પાણી મેળવીને 15 જેટલા વિસ્તારના રહેવાસીઓને પાણી વિતરણની યોજના હતી. રૂ. 18 કરોડના ખર્ચે આ ટાંકીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું, ત્યારે GWIL દ્વારા ટાંકી માટે નર્મદાના એરવાલ્વની મંજુરી આપવામાં આવી હતી, પરંતુ ટાંકી તૈયાર થઈ ગઈ, તમામ લાઇનો પણ પથરાઇ ગઈ અને તેનું બે વર્ષ પહેલા લોકાર્પણ પણ થઇ ગયું તે સમયે એરવાલ્વની મંજુરી અચાનક રદ કરી નાખવામાં આવતા હાલ આ ટાંકીનો ઉપયોગ પાલિકાને સરવાળે મોંઘો સાબિત થઈ રહ્યો છે.


નગરપાલિકાનો ખર્ચ એળે જશે

કારણ કે, નર્મદાના એરવાલ્વની મંજુરી રદ કરી નાખવામાં આવતા પાલિકાએ અત્યારે શહેરના ભુજીયા ટાકાથી શિવકૃપાનગર ટાંકી સુધી પાણી પહોંચાડયા બાદ અહીંથી હિલગાર્ડન ટાંકી સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ વિતરણ કરવામાં આવે છે, જેના કારણે પાલિકાને આ 15 વિસ્તારમાં પાણી વિતરણ માટે ત્રણ-ત્રણ વાર પાણીની હેવી મોટરો ચલાવવાનો વારો આવે છે અને સમયની પણ બરબાદી થઈ રહી છે. નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી નર્મદાનો એરવાલ્વ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. જેના કારણે હાલે તો શિવકૃપા નગરના પાણીની ટાંકી ઉપર ભારણ વધી ગયું છે. જેની સીધી અસર પાણી વિતરણ ઉપર થઈ રહી છે. હિલગાર્ડનના ટાકા માટે પાલિકાને નર્મદાના પાણીનાં એરવાલ્વ નહીં મળે તો પાલિકા પહેલાની જેમ શિવકૃપાનગરનાં ટાંકા ઉપરથી સીધું આ 15 વિસ્તારોમાં પાણી વિતરણ કરવાની ફરજ પડશે. આ કિસ્સામાં હિલગાર્ડનનો ટાંકો શોભાના ગાંઠિયા સમાન બનશે અને કરોડો રૂપિયાનો ખર્ચ તો એળે જશે સાથોસાથ ટાંકાને સંલગ્ન પાથરેલી લાઇનોનો ખર્ચ પણ એળે જશે.

રેલ્વે ક્રોસિંગનો પ્રશ્ન ઉદ્ભવતા મંજુરી રદ કરાયેલી

ભુજ નગરપાલિકા દ્વારા હિલગાર્ડન પાસે રૂ.18 કરોડના ખર્ચે 50 લાખ લીટરનાં પાણીનો ટાંકો તૈયાર કરવામાં આવી રહ્યો હતો, તે સમયે જ એરવાલ્વ કનેક્શનને લઈને જરૂરી લાઈનો પાથરી દેવામાં આવી હતી. આખેઆખું ઇન્ફાસ્ટ્રક્ટર તૈયાર કરી દેવામાં આવ્યા બાદ નર્મદાનાં પાણીનાં એરવાલ્વની મંજુરી રદ કરી દેવામાં આવી હતી. કારણ કે, તે સમયે રેલ્વે ક્રોસિંગનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. જેના કારણે એરવાલ્વની મંજુરી રદ કરી નખાઇ હતી, પરંતુ પાલિકા દ્વારા આ પ્રશ્ન પણ સોલ્વ કરી નાખવામાં આવ્યા બાદ પણ હજુ સુધી એરવાલ્વની મંજુરી મળી નથી. જેના કારણે આ પાણીનાં ટાંકોનો પાલિકાને ઉદેશ્ય સરતો નથી.

પાલિકા પાસે હાલ નર્મદાના પાણીના 3 એરવાલ્વ કાર્યરત

ભુજ પાલિકાને નર્મદા નિગમ તરફથી હાલે 30 એમએલડી નર્મદાનંુ પાણી મળી રહ્યું છે. જ્યારે પાલિકા હસ્તકના નર્મદાનાં પાણી માટેનાં 3 એરવાલ્વ પણ કાર્યરત છે. આ ત્રણ એરવાલ્વ સુરલભીટ્ટ પાસે, એરપોર્ટ પાસે અને સેવન સ્કાય પાસે આવેલા છે. પાલિકાને આ ત્રણે એરવાલ્વમાંથી 12 એમએલડી પાણી મળી રહ્યુ છે. જ્યારે 3 એમએમએલડી પાણી પાલિકા પોતાનાં હસ્તકનાં બોરમાંથી મેળવી રહ્યું છે. આમ કુલ 45 એમએલડી પાણી મળતુ હતું, જેમાં તાજેતરમાં 2 એમએલડી નર્મદાનાં પાણીનો વધારો કરવામાં આવતાં પાલિકાને હાલે દૈનિક 47એમએલડી પાણી મળી રહ્યંુ છે. જેનું પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે.

આ ટાંકા પરથી 15 જેટલા વિસ્તારોને પાણી વિતરણ કરાતું

50 લાખ લીટરની કેપેસિટી ધરાવતો ટાંકો તેમજ તેને સંલગ્ન પાથરેલી લાઇનો વપરાયા વગર ખરાબ ન થઇ જાય તે માટે પાલિકા દ્વારા હાલે ભુજીયા ટાંકાથી શિવકૃપા નગરના ટાંકા અને અહીંથી હિલગાર્ડનાં ટાંકા સુધી પાણી પહોંચાડી રહી છે, અને ત્યારબાદ આ ટાંકા દ્વારા વિવિધ 15 જેટલા વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં રાવલવાડી વિસ્તાર, નરનારાયણ નગર સહિતના વિસ્તારો, કાળી તલાવડી, લાભશુભ સોસાયટી, ગણેશનગર, સર્જનકાસા, રઘુવંશીનગર, નરસિંહ મહેતા નગર, પ્રભુનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

જરૂરિયાતના સમયે પણ એરવાલ્વનું કનેક્શન પાલિકાને ન મળ્યું

ગત ઉનાળામાં પાલિકા હસ્તકની નર્મદાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને તેની મરામત પાછળથી 12થી 15 દિવસનો સમય લાગ્યો હતો. આ સમય દરમ્યાન શહેરમાં પાણીની ભારે કિલ્લત સર્જાઇ હતી, તે સમયે પણ પાલિકા દ્વારા જીડબલ્યુઆઇએલ પાસે નર્મદાના પાણીનાં એરવાલ્વને મંજુરી આપવા પાલિકા દ્વારા માગ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પણ હિલગાર્ડનના ટાંકાને એરવાલ્વની મંજુરી નહીં મળતાં તૈયાર ઈન્ફાન્સ્ટ્રક્ચર હોવા છતાં પણ પાલિકા તેનો ઉપયોગ કરી શકી ન હતી અને લોકોને સતત 15 દિવસ સુધી પાણી માટે રીતસરના વલખાં મારવાનો વારો આવ્યો હતો.

  • Follow us on: