આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ આસમાને પહોંચતાં તેની સીધી અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ભુજ સહિત કચ્છમાં સોના-ચાંદીની બજારોમાં ભાવ વધારાનાં પગલે રીતસરની મંદીનો માહોલ સર્જાયો છે. હજુ પણ આગામી દિવસોમાં સોનાનાં ભાવો ક્યાં જઇને અટકશે તેનો કયાસ કાઢી શકાય તેમ નથી. આગામી દિવસોમાં લગ્નસરાની સીઝન શરૂ થઇ રહી છે. અખાત્રીજના સૌથી વધુ લગ્ન યોજાશે, પરંતુ લોકોમાં નવા દાગીનાની ખરીદી કરવાને બદલે જૂના દાગીના આપીને નવા ખરીદવાનો હાલે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ખરીદીનો ટ્રેન્ડ બદલાયો
આ બાબતે સોના-ચાંદી વેપારી એસોસિયેશનના પ્રમુખ ભદ્રેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં સોનાના ભાવો જેટ ગતિએ આગળ વધી રહ્યા છે. આજની તારીખે સોનાનાં 10 ગ્રામનાં રૂ. 97,500નો ભાવ ચાલી રહ્યો છે. જેના પરિણામે મધ્યમ વર્ગનાં લોકોને તો હવે સોનું ખરીદવું એક સ્વપ્ન સમાન બની ગયું હોવાનું કહેવામાં અતિશયોક્તિ નથી. અગાઉ લગ્નસરા કે શુભ પ્રસંગોમાં જે રીતે નવા સોનાની ખરીદી માટે સોના-ચાંદીનાં શો રૂમોમાં ગ્રાહકોની ભીડ જોવા મળતી હતી, તેના બદલે હવે લોકો ઘરમાં પડેલા જૂના સોનાના દાગીના આપીને નવાની ખરીદી કર્યાનો સંતોષ માની રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં જ સોનાના ભાવો જે રીતે ઉચકાયા છે, તે જોતાં સોનાની નવી ખરીદી માટે પૂરતા નાણાંનાં અભાવને પગલે હાલે તો બદલામાં અદલા-બદલીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો પોતાનાં ઘરેથી જૂના દાગીના લઈને આવે છે અને તેને નવી ડિઝાઇનના બનાવીને લગ્ન સહિતનાં શુભ પ્રસંગો ઉજવી રહ્યા છે.
હાલના સમયમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં વધારો થયો
હાલનાં સમયમાં ઇન્વેસ્ટરોની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે, તેઓ માટે સોનામાં રોકાણ લાભકારક સાબિત થાય છે. તેથી તેઓ સોનાના બિસ્કિટ લેવાનું પસંદ કરી રહ્યા છે. જેને કારણે હાલે બજારમાં નવા દાગીનાની ખરીદીમાં ઓટ જોવા મળી રહી છે. ત્યારે સોનાના બિસ્કિટોનું વેચાણ થઇ રહ્યું છે, જે ઇન્વેસ્ટરો દ્વારા રોકાણ કરવામાં આવી રહ્યું છે. જે રીતે શેર બજારની સ્થિતિ હાલક ડોલક જોવા મળી રહી છે, તેની સામે સોનામાં રોકાણ કરવા તરફ ઇન્વેસ્ટરો વળ્યા હોવાનું હાલની બજાર જોતાં કહી શકાય.
નવા કોઈ ગ્રાહકો સોનાના દાગીનાની ખરીદી નથી કરતા
ભુજ સહિત કચ્છભરની બજારમાં હાલે કોઇ નવા ગ્રાહકો સોનાના દાગીનાની ખરીદી માટે આવતાં નથી, પરિણામે સોના-ચાંદીની બજારમાં અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં વૈશાખ માસ શરૂ થઇ જશે, જેમાં મહતમ લગ્નોત્સવો યોજાશે. તેમ છતાં પણ નવા દાગીનાની ખરીદી ઉપર બ્રેક લાગેલી હોવાનું વેપારીઓ પણ ખુદ અનુભવી રહ્યા છે. ગુરુવારે સોનાનાં ૧૦ ગ્રામનાં રૂ. ૯૭,૫૦૦ નોંધાયા છે, આગામી દિવસોમાં હજુ પણ વધારો કે ઘટાડો થવાી સંભાવના નકારી શકાય નહીં.
ભાવમાં વધારો અને ટ્રમ્પના ટેરિફની પણ બજારમાં અસર
હાલે ભુજની બજારમાં વ્યવહારો ઠપ થઇ ગયા છે, જેના પરિણામે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે એક તો સોનાનાં ભાવોમાં તોતિંગ વધારો થઇ રહ્યો છે, તો બીજી બાજુ ટ્રમ્પના ટેરિફની પણ બજારમાં અસર જોવા મળી રહી છે. જેના પગલે આગામી સમયમાં પણ ભાવમાં સારાએવા પ્રમાણમાં વધ-ઘટ થવાની સંભાવના નકારી શકાય નહીં. આ જોતાં અગાઉની જેમ જ અવિરતપણે ભાવમાં વધારાના પગલે બજારોમાં રેગ્યુલર ઘરાકી જામતી નથી. આ વખતે લગ્નસરાની સીઝનનો લાભ જોઇએ તેટલો સોની બજારને મળશે નહીં.
ભાવ વધતાં જૂના સોનાનું વેચાણ કરનારો વર્ગ વધ્યો
જે રીતે સોનાના ભાવોમાં વધારો થયો છે, જેને કારણે સોના-ચાંદીની બજારમાં નવા સોનાની ખરીદીને બદલે જૂના સોનાનું વેચાણ કરવા માટેનો વર્ગ વધ્યો છે. જેઓ જૂનું સોનું વેચીને નફો રળી રહ્યા છે. તો બીજીતરફ એવો પણ એક વર્ગ છે કે જે લગ્ન કે શુભ પ્રસંગો માટે નવું સોનું ખરીદવા માટે નાણાંની પૂરતી વ્યવસ્થા ન થવાથી પોતાની પાસે પડેલું જૂનું સોનું વેચીને પણ પૈસાની વ્યવસ્થા કરવા માટે આગળ વધી રહ્યા છે, પરિણામે પણ બજારમાં નવી ખરીદી ઉપર બ્રેક લાગેલી જોવા મળી રહી છે.













