ભુજ શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પાલિકાની પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદાના નીર પર આધારિત છે. જેના કારણે ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. ભુજ શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. પાણીની સમસ્યા સામે ભુજ પાલિકાનું તંત્ર લાચાર બન્યું છે.


પાલિકા દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે ભારાપર યોજના બનાવી હતી

વર્ષોથી ભુજમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા નીર પર આધારિત છે. અવાર નવાર નર્મદાનું પાણી બંધ થવાના કારણે પાણીની સમસ્યા ઊભી થાય છે. અગાઉ પાલિકા દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે ભારાપર યોજના બનાવી હતી. ભારાપર યોજનામાં 16 જેટલા પાણીના બોર બનાવવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના પાણીના બોર ફેઈલ થતાં ભારાપર યોજના નિષ્ફળ ગઈ છે. હાલમાં પાલિકા હસ્તકના 10 જેટલા પાણીના બોર છે, તેમાં પણ 4 બોર બંધ હાલતમાં છે.

પાણીની સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે તે સવાલ

ભુજ પાલિકા પાસે પાણી માટેનું કોઈ નક્કર આયોજન નથી, જેના કારણે ભુજવાસીઓ વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાણી મુદ્દે કોંગ્રેસ પણ પાલિકા શાસન સામે સવાલો ઉભા કર્યા છે. ભુજ પાલિકામાં 40 વર્ષથી ભાજપની સતા છે. તેમ છતાં પાલિકાએ પીવાના પાણી માટે કોઈ આયોજન કર્યું નથી. જેના કારણે ભુજવાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. પાણીની સમસ્યા લઈને તંત્ર જાગ્યું છે. પાલિકાએ નર્મદાનું પાણી વધુ મળે તેવી રજૂઆત કરી છે. સાથે જ બંધ પડેલા પાણીના બોર ચાલુ કરવા માટે આયોજન હાથ ધર્યું છે. જોકે ભુજના લોકોને કાયમી પાણીની સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે તેવો સવાલ ઉભો થયો છે. 

  • Follow us on: