કચ્છભરમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જયંતીની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ દેરાસરોને રંગબેરંગી રોશની અને ધજાપતાકાથી સુશોભિત કરવામાં આવ્યા હતા. વિવિધ તાલુકાઓ તેમજ શહેરોમાં રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. વિવિધ દેરાસરોમાં સાંજના સમયે ભગવાનને આંગી પણ ધરાવવામાં આવી હતી. આ તકે પૂજા, અર્ચના, નવકારશી સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


ભગવાન મહાવીર સ્વામીનો ફ્લોટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો

ભુજમાં સમસ્ત જૈન યુવા ગ્રૂપ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. છઠ્ઠીબારી રિંગ રોડના દેરાસરથી વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રા બસ પોર્ટ રોડ, પેટ્રોલપંપ થઈ અનમ રિંગ રોડમાંથી વાણિયાવાડમાં વાણિયાના ડેલા પાસે પહોંચી હતી. અહીં બેન્ડવાજાની ધૂન ઉપર ભાવિક ભક્તો મનમૂકીને ઝુમ્યા હતા. આ શોભાયાત્રાની વિશેષતા એ રહી હતી કે તેમાં મહાવીર પ્રભુજીનો રથ જૈન યુવાનો દ્વારા ધોમધખતા તાપમાં ખુલ્લા પગે ખેંચવામાં આવ્યો હતો. આ સિવાય ભગવાન મહાવીર સ્વામીનો ફ્લોટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ડીજે દ્વારા પણ ભગવાન મહાવીરના એક એકથી ચડે તેવા ગીતોની રમઝટ બોલાવીને ભાવિકભક્તોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો તો ભાવિકભક્તો પણ રિધમના તાલે ઉત્સાહભેર ઝુમ્યા હતા અને ભક્તિભાવમાં લીન બન્યા હતા. આ શોભાયાત્રામાં સાધુ-ભગવંતો પણ જોડાયા હતા, જેને કારણે પણ શહેરના મુખ્યમાર્ગો ભગવાન મહાવીરમય બની ગયા હતા તો શહેરના બસ સ્ટેશન પાસે શોભાયાત્રાનું ઉત્સાહભેર સ્વાગત પણ કરવામાં આવ્યુ હતું.

સેવાભાવીઓ દ્વારા ઠંડાપીણા, આઈસ્ક્રીમના સ્ટોલ ઉભા કરાયા

મહાવીર જયંતીની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ભુજ શહેરમાં ભગવાન મહાવીરની શોભાયાત્રાનાં રૂટ પર થોડા થોડા અંતરે આકર્ષક ગેટ ઊભા કરવામાં આવ્યા હતા, જે સ્થાનિક લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ સિવાય ગરમીને ધ્યાને લઇને સેવાભાવી લોકો દ્વારા ઠેરઠેર ઠંડાપીણા, આઇસક્રીમનાં સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેનો પણ રથયાત્રામાં જોડાયેલા ભાવિકભક્તોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

જિલ્લાના વિવિધ દેરાસરોમાં ભગવાનને કલાત્મક આંગી ધરાવાઇ

જિલ્લાભરનાં વિવિધ દેરાસરોમાં સાંજના સમયે ભગવાન મહાવીરને ફૂલો સહિતની આકર્ષક આંગી ધરાવવામાં આવી હતી. જેના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટી પડયા હતા. તો અમુક દેરાસરોમાં દીપમાલા પણ પ્રજ્વલિત કરવામાં આવી હતી, જેના દર્શનનો પણ લાભ લેવાનું ભાવિકભક્તો ચૂક્યા ન હતા. સાધુભગવંતો દ્વારા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરના જન્મ સહિતનાં પ્રસંગોને વણીને શ્રાાવકોને ભક્તિમાં તરબોળ કર્યા હતા.

  • Follow us on: