પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન, ગેરકાયદે ખનિજનું વહન તથા સંગ્રહ કરવામાં આવતું હોય તેવા કિસ્સામાં વિભાગની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરીને લીઝ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એટલું જ નહીં આવા કિસ્સામાં લીઝ ધારકો સામે દંડકીય વસૂલાત પણ કરવામાં આવે છે. ત્યારે ગત નાણાકીય વર્ષ 2023-24માં ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન, વહન, સંગ્રહ પેટે રૂ. 233.38 કરોડની વસૂલાત સામે 2024-25ના નાણાકીય વર્ષમાં રૂ. 296.69 કરોડની વસૂલાત થવા પામી છે, પરિણામે ગત વર્ષની સરખામણીએ આ વખતે રૂ. 63.11 કરોડ જેટલી વધુ આવક થવા પામી છે.
759 જેટલી લીઝો આવેલી છે
પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારિયાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છમાં ખાણ ખનિજ વિભાગ હસ્તકની ગૌણ ખનિજની 732 અને મુખ્ય ખનિજની 27 મળીને કુલ 759 જેટલી લીઝો આવેલી છે, પરંતુ પર્યાવરણીય સર્ટિફિકેટ (ઇસી)નાં કારણોસર હાલે માત્ર 514 લીઝ ચાલુમાં છે, જ્યારે 245 લીઝો બંધ હાલતમાં છે. છતાં પણ ગત નાણાકીય વર્ષ 2023-24માં વિભાગને ગેરકાયદે ખનન, વહન, સંગ્રહ પેટે રૂ. 233.38 કરોડની વસૂલાત સામે 2024-25ના નાણાકીય વર્ષમાં રૂ. 296.69 કરોડની વસૂલાત થવા પામી છે. જે ગત વર્ષની સરખામણીએ રૂ. 63.11 કરોડ જેટલી વધુ આવક સૂચવે છે.
ગત વર્ષની સરખામણીએ 42 કેસનો વધારો થયો
વધુમાં તેમણે પશ્ચિમ કચ્છમાં ખનિજનું અનઅધિકૃત ખનન, વહન, સંગ્રહ ન થાય તે માટે વિભાગ દ્વારા સતત ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેના પગલે 2024-25 વર્ષ દરમ્યાન 258 કેસ કરાયા હતા, જે પેટે રૂ. 5.88 કરોડની વિભાગ દ્વારા વસૂલાત કરવામાં આવી હતી. એટલું જ નહીં 9 કેસોમાં પોલીસ ફરિયાદ, કોર્ટ કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે 2023-24માં 216 કેસો કરવામાં આવ્યા હતા. જે પેટે રૂ. 4.68 કરોડની વસૂલાત કરવામાં આવી હતી, જેમાં 13 કેસો પોલીસ ફરિયાદ અને કોર્ટ કેસનો સમાવેશ થાય છે. આ જોતાં ગત વર્ષની સરખામણીએ 42 કેસનો વધારો થયો છે, જેના પરિણામે રૂ. 1.2 કરોડની વસૂલાતમાં પણ વધારો થયો છે.
2024-25માં રોયલ્ટી પેટે રૂ. 290.81 કરોડની આવક
પશ્ચિમ કચ્છમાં નાણાકીય વર્ષ 2023-24માં રોયલ્ટી પેટે રૂ. 228.7 કરોડની આવક થવા પામી હતી. જેની સામે વર્ષ 2024-25માં રૂ. 290.81 કરોડની આવક થવા પામી છે. જે ગત વર્ષની સરખામણીએ રૂ. 62.11 કરોડની મહેસૂલી આવકમાં વધારો સૂચવે છે.
245 લીઝો બંધ છતાં મહેસૂલી આવકમાં થયેલો વધારો
પશ્ચિમ કચ્છમાં ખાણ ખનિજ વિભાગ હસ્તક ચાઇનાક્લે, બ્લેકટ્રેપ, લેટેરાઇટ, સાદી રેતી સહિતની ગૌણ ખનિજની 732 અને મુખ્ય ખનિજની 27 મળીને કુલ 759 જેટલી લીઝો આવેલી છે, પરંતુ ઇસીને કારણે 245 જેટલી લીઝો હાલે બંધ હાલતમાં છે. જેના પગલે પશ્ચિમ કચ્છમાં હાલે 70 ટકા જેટલી લીઝો જ કાર્યરત હોવા છતાં પણ વિભાગને રોયલ્ટીની આવકમાં વધારો થયો છે.
ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસોમાં વધારો થયો
પશ્ચિમ કચ્છમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા અનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહનાં કરાયેલા કેસો અને વસૂલાત ઉપર નજર કરવામાં આવે તો વર્ષ 2023-24 દરમ્યાન કુલ 216 કેસ કરવામાં આવ્યા હતા. જેની સામે રૂ. 4.68 કરોડની વસૂલાત થવા પામી હતી. જ્યારે વર્ષ 2024-25 દરમ્યાન વિભાગ દ્વારા કુલ 258 કેસ કરવામાં આવ્યા હતા, જેના પગલે રૂ. 5.88 કરોડની વસૂલાત થવા પામી હતી.