કચ્છમાં ખેડૂતો દ્વારા આ વખતે વિક્રમજનક કહી શકાય તેટલું 39,672 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા સરેરાશ 34,432 હેક્ટરનાં વાવેતર સામે 5,240 હેક્ટરમાં વધુ વાવેતર દર્શાવે છે. આમ તો દર વર્ષે એપ્રિલના પ્રથમ અઠવાડિયા સુધી જ ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે. કારણ કે, બાદમાં ચોમાસુ પાકની મોસમ શરૂ થઇ જાયા છે.


બાજરીનું 5,712 હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર

તેમાંય ઉનાળુ પાકમાં ખાસ કરીને જે ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા છે, તેવા ખેડૂતોએ આ વર્ષે મહતમ વાવેતર કર્યું છે, પરિણામે જિલ્લામાં સૌથી વધુ મગફળીનું 4,623 હેક્ટરમાં અને બાજરીનું 5,712 હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ખેડૂતો દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ઉનાળુ પાકનું સરેરાશ 34,432 હેક્ટરમાં વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ જે રીતે ખેડૂતો દ્વારા સ્થાનિકે પાણીનાં સ્રોત ઊભા કરવામાં આવ્યાં તેમજ ગત વર્ષે વરસાદ પણ સારો પડયો હોવાને કારણે જે પણ ખેડૂતોએ પોતાનાં બોરમાં વરસાદી પાણી ઉતાર્યા છે, તે આ ઉનાળુ પાકનું મહતમ વાવેતર કરવા માટે ખરા તડકામાં પણ તનતોડ મહેનત કરી હતી. પરિણામે ચાલુ વર્ષે જિલ્લામાં સરેરાશ પાક કરતાં પણ વધારે વાવેતર કરવામાં ખેડૂતો સફળ રહ્યા છે.

5,712 હેક્ટરમાં વાવેતરનો વધારો

નાયબ ખેતીવાડી અધિકારી શાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છમાં ખેડૂતોએ કરેલા ઉનાળુ પાકનાં વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. આ વખતે ખેડૂતોએ 39,672 હેક્ટરમાં વાવેતર કર્યુ છે. જે સરેરાશ 34,432 હેક્ટરનાં વાવેતર સામે 5,712 હેક્ટરમાં વાવેતરનો વધારો સૂચવે છે. જોકે, ખેડૂતોએ જિલ્લામાં ફેબ્રુઆરી માસનાં પ્રારંભ સાથે જ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું હતું અને એપ્રિલનાં પ્રથમ અઠવાડિીયા સુધીમાં વિક્રમજનક કહી શકાય એટલું 39,672 હેક્ટરમાં આ વખતે વાવેતર થવા પામ્યું છે. ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા ઉનાળુ પાકમાં મુખ્યત્વે બાજરી, મકાઈ, મગફળી, તલ, શાકભાજી, ઘાસચારો અને અન્ય પાકોનું વાવેતર કરાયું છે.

ખેડૂતો દ્વારા મગફળી, બાજરી સહિતના પાકોનું વાવેતર કરાયું

જિલ્લામાં ઉનાળુ પાકનું ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા કરાયેલા વાવેતર ઉપર નજર કરવામાં આવે તો બાજરીનું 5,712 હેક્ટરમાં, મકાઇનું 140 હેક્ટરમાં, મગનું 960 હેક્ટરમાં, મગફળીનું 4,623 હેક્ટરમાં, તલનું 2,611 હેક્ટરમાં, ડુંગળીનું 40 હેક્ટરમાં, ગુવારગમનું 385 હેક્ટરમાં, શાકભાજીનું 4,447 હેક્ટરમાં, ઘાસચારનું 18,833 હેક્ટરમાં અને અન્ય પાકોનું 1,863 હેક્ટર મળી કુલ 39,672 હેક્ટરમાં વાવતર થવા પામ્યું છે.

સૌથી વધુ ભુજ તાલુકાનાં ખેડૂતોએ 6,584 હેક્ટરમાં વાવેતર કર્યું

કચ્છનાં વિવિધ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે કરાયેલા ઉનાળુ પાકનાં વાવેતર ઉપર નજર કરવામાં આવે તો અબડાસા તાલુકામાં 3,105 હેક્ટરમાં, અંજાર તાલુકામાં 5,410 હેક્ટરમાં, ભચાઉમાં 5,935 હેક્ટરમાં, ભુજમાં 6,584 હેક્ટરમાં, ગાંધીધામમાં 130 હેક્ટરમાં, લખપત તાલુકામાં 3,651 હેક્ટરમાં, માંડવીમાં 4,155 હેક્ટરમાં, મુન્દ્રામાં 4,033 હેક્ટરમાં, નખત્રાણામાં 3,145 હેક્ટરમાં અને રાપર તાલુકામાં 3,524 હેક્ટર મળીને કુલ 39,672 હેક્ટરમાં વાવેતરનો સમાવેશ થાય છે.

  • Follow us on: