કચ્છમાં રામનવમીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે. ભગવાન શ્રીરામના આગમનને વધાવવા માટે જિલ્લાભરના વિવિધ મંદિરોને રોશની અને ધજાપતાકાથી સુશોભિત કરવામાં આવ્યા છે. ઠેરઠેર કેસરી ઝંડીઓ પણ લગાડવામાં આવી, રામભક્તોમાં સવારથી જ ઉજવણીને લઈને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.


વહેલી સવારથી જ જિલ્લાભરના રામજી મંદિરોમાં ભગવાનનાં દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. સવારે પૂજા, અર્ચના, પાદુકા પૂજન, શોભાયાત્રા સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બપોરના 12 વાગ્યે મહાઆરતી સાથે ભગવાન શ્રીરામના પ્રાગટયના વધામણા કરાયા હતા. બાદમાં બાલસ્વરૂપ ભગવાનને પારણામાં ઝૂલાવવાનો પણ ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે પંજરી, શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમુક મંદિરોમાં મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ભુજમાં વિવિધ રામજી મંદિરોમાં ભગવાન રામના પ્રાગટયને ઉમંગભેર વધાવવામાં આવ્યું હતું. સવારથી જ વિવિધ મંદિરોમાં ઉજવણીનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. બપોરના શ્રીરામ ભગવાનની પ્રાગટય આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. રામ ભગવાનના બાળ સ્વરૂપને પારણે ઝૂલાવવાનો પણ ભક્તોએ લાભ લીધો હતો તો વિવિધ મંદિરોમાં પ્રસાદ સહિતના પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શહેરના રામધૂન મંદિર, રઘુનાથજી મંદિર, પ્રાચિન રામજી મંદિરમાં સવારથી જ ભક્તોની દર્શન માટે કતારો જોવા મળી હતી.

વિવિધ રામજી મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારાયા

રામ નવમીની ધમાકેદાર ઉજવણીને લઇને વિવિધ રામજી મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. વહેલી સવારે પૂજા-અર્ચના, પાદુકા પૂજન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બપોરના ૧૨ વાગ્યે મહાઆરતી, દિપમાલા સાથે ભગવાન રામના પ્રાગટયને વધાવવામાં આવ્યું હતું. બાદલમાં બાલસ્વરૂપને પારણે ઝુલાવીને ભક્તોએ લાડ લડાવ્યા હતા.

પૌરાણિક મંદિરમાં 1948માં અખંડ રામધૂનની શરૂઆત કરાઈ

ભુજના હમિરસર તળાવના કિનાર પર આવેલા રામધૂન ખાતે સવારથી જ દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી હતી. અહીં અખંડ રામધૂન મંદિર વર્ષો જૂનું અને પૌરાણિક છે. રાજાશાહી સમયથી સ્થાપવામાં આવેલા આ મંદિરમાં વર્ષ ૧૯૪૮માં અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી. રામધૂન મંદિરની બાજુમાં જ પૌરાણિક રામજી મંદિર આવેલંુ છે. અહીં પણ રામભક્તોએ મહાઆરતીનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

ઉપલીપાળ વિસ્તારમાં રઘુનાથજી મંદિરે નોબતના સથવારે મહાઆરતી

શહેરના ઉપલીપાળ વિસ્તારમાં આવેલા રઘુનાથજી મંદિરમાં સવારે પૂજા-અર્ચના, પાદુકા પૂજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યે નોબતના સથવારે મહાઆરતી સાથે પ્રાગટય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આરતીના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડયા હતા. આ પ્રસંગે ભક્તોને શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  • Follow us on: