કચ્છમાં ખાસ કરીને નાણાકીય વર્ષ 2024-25 દરમ્યાન સારા એવા પ્રમાણમાં નવી નવી સોસાયટીઓ અસ્તિત્વમાં આવી છે, જેને કારણે પ્રોપર્ટીઓની સંખ્યામાં પણ સારો એવા પ્રમાણમાં વધારો થયો છે. સમગ્ર જિલ્લામાં બહારના વિસ્તારોમાં નવુ ડેવલોપમેન્ટ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તેમાં પણ ભુજ શહેરમાં તો છેક રતિયાની સીમ સુધી નવી સોસાયટીના નિર્માણ થઈ રહ્યા છે.


રહેણાંકની સાથે સાથે કોમર્શિયલ બાંધકામોમાં પણ ભારે ઉછાળો

જોકે, જે રીતે નવા મકાનો બની રહ્યા છે, તેની સામે એટલા પ્રમાણમાં લેવાલી પણ જોવા મળી રહી છે. રહેણાંકની સાથે સાથે કોમર્શિયલ બાંધકામોમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ લોકોએ પણ સૌથી વધુ મકાન અને સોનામાં રોકાણ કરવા તરફ મન બનાવ્યું છે, જેને કારણે પણ દસ્તાવેજોની નોંધણીમાં છેલ્લા મહિનાઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, પરિણામે નાણાકીય વર્ષ દરમ્યાન 59,762 નવા દસ્તાવેજો બનવા પામ્યા છે.

ભુજ સહિત 10 તાલુકામાં કુલ 59,762 જેટલા નવા દસ્તાવેજો બનવા પામ્યા

આ બાબતે વધુ માહિતી આપતાં ઈ-નોંધણી નિરીક્ષક જે. એમ. ગોરે જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છમાં 01-04-2024થી 31-03-2025 દરમ્યાન વિવિધ તાલુકા મથકોએ કાર્યરત સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે થયેલા દસ્તાવેજોની નોંધણી ઉપર નજર કરવામાં આવે તો જિલ્લાના ભુજ સહિત 10 તાલુકામાં કુલ 59,762 જેટલા નવા દસ્તાવેજો બનવા પામ્યા હતા. જેનાં પગલે તંત્રને રૂ. 3,48,64,74,511ની આવક થવા પામી હતી. જેમાં દસ્તાવેજ માટેની કુલ ફી પેટે રૂ.47,68,13,909 અને સ્ટેમ્પ ડયૂટી પેટે રૂ. 3,00,96,60,602ની આવક થવા પામી છે. જેમાંથી સૌથી વધુ ભુજ તાલુકામાં 14,253 દસ્તાવેજો બન્યા હતા, જ્યારે સૌથી ઓછા લખપત તાલુકામાં 540 દસ્તાવેજો બન્યા છે.

અંતમાં તેમણે એપ્રિલ માસથી દસ્તાવેજ બનાવવા માટેની ગતિ થોડી ધીમી બની છે. છતાં પણ રોજના 35થી 40 દસ્તાવેજો બની રહ્યા છે. જ્યારે માર્ચ 2025 દરમ્યાન મહતમ કહી શકાય એટલાં 8,332 દસ્તાવેજો બન્યા હતા. જંત્રીના ભાવમાં વધારો થશે તેવી ચર્ચાઓને પગલે દૈનિક 268 જેટલા સરેરાશ દસ્તાવેજો બન્યા હતા.

ભુજ તાલુકામાં સૌથી વધુ, લખપત તાલુકામાં સૌથી ઓછા દસ્તાવેજો થયા

સૌથી વધુ ભુજ તાલુકામાં 14,253 દસ્તાવેજો બન્યા હતા, જેની ફી પેટે આવક રૂ.10,18,55,495 અને સ્ટેમ્પ ડયૂટી પેટે આવક રૂ. 57,35,49,357 મળીને કુલ રૂ. 67,54,04,852ની આવક થવા પામી છે. બીજી તરફ સૌથી ઓછા લખપત તાલુકામાં 540 દસ્તાવેજો બન્યા હતા, જેની ફી પેટે આવક રૂ.41,44,801 અને સ્ટેમ્પ ડયૂટી પેટે આવક રૂ. 3,21,01,344 મળીને કુલ રૂ. 3,62,46,145ની આવક થવા પામી છે.

નખત્રાણા તાલુકા અને ગાંધીધામ તાલુકામાં કેટલા થયા દસ્તાવેજો?

નખત્રાણા તાલુકામાં 540 દસ્તાવેજો બન્યા હતા, જેની ફી પેટે આવક રૂ. 1,20,52,145 અને સ્ટેમ્પ ડયૂટી પેટે આવક રૂ. 7,78,02,826 મળીને કુલ રૂ. 8,98,54,971ની આવક થવા પામી છે. ગાંધીધામ તાલુકામાં 9,679 દસ્તાવેજો બન્યા હતા, જેની ફી પેટે આવક રૂ. 8,67,29,715 અને સ્ટેમ્પ ડયૂટી પેટે આવક રૂ. 5,65,45,321 મળીને કુલ રૂ. 65,21,82,927ની આવક થવા પામી છે. જ્યારે મુન્દ્રા તાલુકામાં 7,028 દસ્તાવેજો બન્યા હતા, જેની ફી પેટે આવક રૂ. 7,44,79,865 અને સ્ટેમ્પ ડયૂટી પેટે આવક રૂ. 48,86,75,611 મળીને કુલ રૂ. 56,31,55,476ની આવક થવા પામી છે.

અંજાર, નલિયા, ભચાઉમાં પણ થયા મોટાપ્રમાણમાં દસ્તાવેજો

અંજાર તાલુકામાં 12,079 દસ્તાવેજો બન્યા હતા, જેની ફી પેટે આવક રૂ. 8,82,07,061 અને સ્ટેમ્પ ડયૂટી પેટે આવક રૂ. 58,85,04,483 મળીને કુલ રૂ. 67,67,11,544ની આવક થવા પામી છે. નલિયા તાલુકામાં 1,662 દસ્તાવેજો બન્યા હતા, જેની ફી પેટે આવક રૂ. 1,04,56,463 અને સ્ટેમ્પ ડયૂટી પેટે આવક રૂ. 8,12,22,590 મળીને કુલ રૂ. 9,16,79,053ની આવક થવા પામી છે. ભચાઉ તાલુકામાં 4,327 દસ્તાવેજો બન્યા હતા, જેની ફી પેટે આવક રૂ. 5,54,99,967 અને સ્ટેમ્પ ડયૂટી પેટે આવક રૂ. 34,23,92,094 મળીને કુલ રૂ. 39,78,92,061ની આવક થવા પામી છે.

રાપર અને માંડવી તાલુકામાંથી સરકારને થઈ મોટી આવક

રાપર તાલુકામાં 3,673 દસ્તાવેજો બન્યા હતા, જેની ફી પેટે આવક રૂ. 1,62,76,912 અને સ્ટેમ્પ ડયૂટી પેટે આવક રૂ. 9,51,66,971 મળીને કુલ રૂ. 11,14,43,883ની આવક થવા પામી છે. માંડવી તાલુકામાં 4,278 દસ્તાવેજો બન્યા હતા, જેની ફી પેટે આવક રૂ. 2,71,11,485 અને સ્ટેમ્પ ડયૂટી પેટે આવક રૂ. 16,47,92,114 મળીને કુલ રૂ. 19,19,03,599ની આવક થવા પામી છે.

  • Follow us on: