કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં કેસર કેરીનું વાવેતર થાય છે. ત્યારે આ વર્ષે કેરીનું વાવેતર કરતાં ખેડૂતો માટે માઠા સમાચાર છે. જિલ્લામાં બદલાયેલા વાતાવરણના કારણે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે.
બદલાયેલા વાતાવરણના કારણે આંબા પરનો ફાલ ખરી ગયો
કચ્છ જિલ્લામાં બાગાયતનું વાવેતર સતત વધી રહ્યું છે. કચ્છની કેસર કેરી હવે દેશ વિદેશમાં જાણીતી બની છે. કચ્છના અંજાર, ભુજ, નખત્રાણા અને માંડવી તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો આંબાનું વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે શરૂઆતમાં આંબા પર પુષ્કળ મોર આવ્યા હતા. જેના કારણે કેરીની સિઝન સારી રહેવાની ખેડૂતોને આશા હતી. પરંતુ ખેડૂતીની આશા પર પાણી ફરી વળ્યું છે. છેલ્લા થોડા દિવસથી બદલાયેલા વાતાવરણના કારણે આંબા પરનો ફાલ ખરી ગયો છે. પરિણામે કેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
કેરીના ભાવ લોકોના દાંત ખાટા કરે તો નવાઈ નહીં
કચ્છના ખેડૂતો આંબાના પાકને પાક વીમામાં સમાવેશ કરાવવા માટે માગ કરી રહ્યા છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જિલ્લામાં કેરીના ઉત્પાદનમાં ઘટાડો થશે. જેના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. આ વખતે કચ્છની કેસર કેરીની બજારમાં આવક ઓછી થશે અને કેરીના ભાવ લોકોના દાંત ખાટા કરે તો નવાઈ નહીં.