આગામી ૩૧ માર્ચને ધ્યાને લઇને જિલ્લા તિજોરી કચેરી દ્વારા જિલ્લાની તમામ સરકારી કચેરીઓને ૩૦ માર્ચ સુધીમાં બિલો રજૂ કરવા માટે પહેલાંથી જ જાણ કરી દેવામાં આવી છે. જેના પગલે જિલ્લાની ૯૦ જેટલી સરકારી કચેરીઓ દ્વારા ક્રમશઃ ગ્રાન્ટનાં બિલો જિલ્લા તિજોરી કચેરી ખાતે મૂકવામાં આવી રહ્યા છે. સ્ટાફની ઘટ વચ્ચે પણ દૈનિક ૩૦૦થી ૪૦૦ જેટલા બિલોનો હાલે નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે છેલ્લા ૨૬ દિવસમાં જિલ્લા તિજોરી કચેરી દ્વારા ૩,૪૪૬ બિલો પૈકી રૂ. ૧,૧૪૩ કરોડનું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યુ છે.
આ બાબતે વધુ માહિતી આપતાં ઇન્ચાર્જ જિલ્લા તિજોરી અધિકારી મિતેષ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના તિજોરી વિભાગ દ્વારા ગત તા. ૭ માર્ચનાં રોજ આદેશ કરવામાં આવ્યો હતો કે, ૩૧ માર્ચ સુધીમા આવતાં તમામ બિલોનું વહેલી તકે ચુકવણું કરી નાખવામા આવે. સામાન્ય રીતે કોઇપણ કચેરી દ્વારા બિલો મૂકવામાં આવે છે, ત્યારબાદ તેને ઇન્વર્ડથી લઇને ચકાસણી સહિતની કામગીરી પાછળ બેથી ત્રણ દિવસનો સમય લાગતો હોય છે, પરંતુ માર્ચ માસમાં સરકાર દ્વારા વિવિધ કચેરીઓને ગ્રાન્ટનો ચોથો હપ્તો ઇશ્યૂ કરવામાં આવતો હોવાને કારણે સ્વાભાવિકપણે જ વિવિધ કચેરીઓનાં પગાર, પેન્શન તેમજ ખર્ચ સહિતનાં બિલોનો ફ્લો માર્ચ માસમાં વધુ હોય છે.
જિલ્લાની ૯૦ જેટલી સરકારી કચેરીનાં બિલો, કર્મચારીનાં પગારો, અન્ય ખર્ચના બિલોનો સમાવેશ
તમામ બિલોનું ઝડપથી ચુકવણું કરી શકાય તે માટે હાલે કચેરીનાં લોકલ ફંડમાંથી પણ વધારાના ઓડિટર સહિતના કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે. જેમના દ્વારા સવારનાં ૧૦ કલાકથી લઇને રાત્રિના ૯ કલાક સુધી ફરજ બજાવવામાં આવી રહી છે અને વધુમાં વધુ બિલોનું ચુકવણું થાય તે માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે માર્ચ ૩૧ સુધીમાં સરેરાશ રૂ.૨,૫૦૦ કરોડનું ખર્ચ, પગાર સહિતનાં બિલો પેટે ચુકવણું કરવામાં આવતું હોય છે, ત્યારે હજુ ૩૧ માર્ચને પાંચ દિવસનો સમય બાકી છે. ત્યારે છેલ્લા ૨૬ દિવસમાં વિવિધ સરકારી કચેરીઓનાં ૩,૪૪૬ બિલો પેટે રૂ. ૧,૧૪૩ કરોડનું તિજોરી કચેરી દ્વારા ચુકવણું કરી દેવામાં આવ્યું છે.
વર્ષમાં ચાર વાર ગ્રાન્ટ ફાળવણી પગલે કચેરીનું ભારણ ઘટયું
પહેલા સરકાર દ્વારા માર્ચ એન્ડિંગમાં જ વિવિધ ગ્રાન્ટની ફાળણી કરવામાં આવતી હતી. જેને કારણે તિજોરી કચેરી ૨૫ માર્ચથી ૩૧ માર્ચ સુધી મોડી રાત સુધી ધમધમતી રાખવી પડતી હતી. કર્મચારીઓ દિવસ અને રાતનાં ઉજાગર કરીને પણ તમામ સરકારી કચેરીઓ દ્વારા મૂકવામાં આવેલા બિલોનું ચુકવણંુ કરવામાં આવતું હતું. પરંતુ હવે સરકાર દ્વારા વર્ષમાં ચાર વાર ગ્રાન્ટ ઇશ્યૂ કરવામાં આવતી હોવાને કારણે જિલ્લાની તિજોરી ઉપરથી ભારણ ઘટયું છે, પરંતુ સરકારી કચેરીઓની ગ્રાન્ટ લેપ્સ ન જાય તે માટે ૩૧ માર્ચ સુધીમાં તમામ બિલો મંજૂર થઇ જાય તેવો કર્મચારીઓ દ્વારા પ્રસાય કરવામાં આવે છે.
લોકલ ફંડમાંથી ઓડિટર અને બુક વિભાગ માટે કર્મચારી મુકાયા
હાલે જિલ્લા તિજોરી કચેરીમાં ૪૦ ટકા જેટલી સ્ટાફની ઘટ છે ને બિજી તરફ જિલ્લામાં ૯૦ જેટલી સરકારી કચેરીઓ આવેલી છે. જેનાં પગાર બિલો, ખર્ચ સહિતનાં બિલો ૩૧ માર્ચ સુધીમાં મંજૂર થઇ જાય તે ઉદેશ્ય સાથે જિલ્લા તિજોરી કચેરી ખાતે મૂકવામાં આવતાં હોય છે. આ સિવાય જિલ્લામાં ૧૨ હજાર જેટલા પેન્શનરો પણ છે. તેઓને પણ સમયસર ચુકવણું થઇ જાય તો ગ્રાન્ટ લેપ્સ જાય નહીં. ત્યારે સ્વાભાવિકપણે જ માર્ચ માસમાં સૌથી વધુ બિલો આવતાં સ્ટાફની ઘટને કારણે કામગીરીમાં ઝડપ આવે નહીં. જેને ધ્યાને લઇને સ્ટાફને મદદરૂપ થવા માટે લોકલ ફંડમાં બે ઓડિટર અને બે બુક વિભાગમાં તેમજ અન્ય કર્મચારીઓને કામગીરી અર્થે મૂકવામાં આવ્યા છે.
કચેરીનાં તમામ સ્ટાફની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી
૩૧ માર્ચ સુધીમાં એક પણ બિલ પેન્ડિંગ ન રહે તે માટે જિલ્લા તિજોરી અધિકારીના તમામ સ્ટાફની રજાઓ કેન્સલ કરી નાખવામાં આવી છે. એટલું જ નહીં બેંકોને પણ ચાલુ રાખવા માટે જિલ્લા કલેક્ટરને કચેરી દ્વારા અનુરોધ પણ કરી દેવામાં આવ્યો છે. તો કર્મચારીઓને પણ સવારે ૧૦ કલાકે હાજર થઇ જવા અને રાત્રિનાં ૯ કલાક સુધી ફરજ બજાવવા માટે જણાવામાં આવ્યું છે. જેને કારણે કામમાં ઝડપ આવે તેમજ રોજેરોજનાં બિલોનું રાત સુધીમાં ચુકવણું પણ થઇ જાય. જેને કારણે ૩૧ માર્ચનાં બિલો ચૂકવવા માટે કર્મચારીઓ ઉપર વધુ ભારણ રહે નહીં. જોકે, તિજોરી કચેરીનાં સ્ટાફ પણ માર્ચ મહિનાનાં કામના ભારણને જાણે છે અને પૂરતો સહયોગ આપી રહ્યા છે.