અમદાવાદના બાવળામાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં 2 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. બાવળા શહેરના ઢેઢાળ ગામમાં આવેલી શ્રી કેમિકલ્સ નામની ઈન્ડસ્ટ્રીઝમાં આ બનાવ બન્યો છે. મિકેનિકલ ખામી સર્જાતા 2 વ્યક્તિ કેમિકલ પ્લાન્ટના ટેન્કની અંદર ઉતર્યા હતા અને ટેન્કમાં ગુંગળામણના કારણે બે લોકોના મોત થયા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
આ બનાવ બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને વ્યક્તિની સારવાર શરૂ કરી હતી અને બંને વ્યક્તિ બેભાન હાલતમાં હોય તેમને વધુ સારવાર માટે બાવળાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર રહેલા સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બંને મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ઉધનામાં ક્રેન તૂટી પડતા એક શ્રમિકનું મોત
તમને જણાવી દઈએ કે 19 માર્ચે સુરતના ઉધનામાં પણ એક શ્રમિકનું મોત થયું હતું. ઉધનામાં ખાડી કામ કરતા શ્રમિક દુર્ઘટનાનો શિકાર થયો હતો. ખાડી બ્રિજ નજીક કામીગીર કરતાં અચાનક ક્રેન તૂટી પડી હતી, આ ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજયું હતું અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગત મુજબ ઉધનામાં ખાડી બ્રિજ નજીક સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. ખાડીની સફાઈ કરવા ક્રેન જેવા મોટા મોટા સાધનો મગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ખાડીની સફાઈ કામગીરી કરતાં અચાનક ક્રેનનો ભાગ તૂટી પડ્યો હતો. ક્રેનનો ભાગ તૂટતા ત્યાં કામ કરનાર શ્રમિકો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ક્રેન તૂટતા બે શ્રમિકોને વધુ અસર થઈ હતી. દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું હતું.