કચ્છમાં ગત વર્ષે ચોમાસા દરમ્યાન સારા એવા પ્રમાણમાં વરસાદ પડયો હતો, તેને કારણે વિવિધ નાના-મોટા ડેમ, તળાવોમાં વરસાદી પાણીનો સારો એવો સંગ્રહ થયો હતો. જોકે, તે સમયે પોણાભાગના ડેમ ઓવરફ્લો થયા હતા. જ્યારે બાકીના ડેમોમાં થોડા ઘણા અંશે પાણીનો સંગ્રહ થયો હતો. આ પાણી ઉનાળો આવતા સુધીમાં તો બાષ્મીભવન થઈ ગયું હતું. હજુ તો ઉનાળાના દિવસોની શરૂઆત થઈ રહી છે, તેની સાથે જ જિલ્લા પંચાયત હસ્તકના નાની સિંચાઈના 170 ડેમ પૈકીના 95 જેટલા ડેમ તળિયા ઝાટક થઇ ગયા છે.


બાકીના તાલુકાઓમાં ખેડૂતોએ પિયત ઉપર જ આધાર રાખવો પડશે

જ્યારે બાકીના 75 ડેમોમાં હાલે 2782.83 એમસીએફટી પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે. આ જોતાં ખેડૂતોને ઉનાળો કપરો જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જિલ્લા પંચાયત હસ્તકનાં તમામ ડેમ સિંચાઇ માટે બનાવવામાં આવ્યા હોઈ તેમાંથી ખેડૂતોને પાક માટે પાણી આપવામાં આવતું હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં અમુક તાલુકાઓમાં જ ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી મળે તેવી શક્યતાઓ છે. જ્યારે બાકીનાં તાલુકાઓમાં ખેડૂતોએ પિયત ઉપર જ આધાર રાખવો પડશે. એક તરફ ખેડૂતો દ્વારા આ વખતે વિક્રમજનક ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સિંચાઇનાં ડેમ ઉનાળાનાં પ્રારંભ સાથે જ ખાલીખમ થઇ ગયા છે. નાની સિંચાઇનાં કુલ 170 ડેમમાંથી 95 ડેમમાં હાલે પાણી સીલ લેવલ કરતાં પણ નીચે છે. તે જોતાં આ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપી શકાય તેવી સ્થિતિ નથી.

નાની સિંચાઈના 170 ડેમની કુલ સંગ્રહશક્તિ

જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં 170 ડેમની કુલ સંગ્રહ શક્તિ 10,691.81 એમસીએફટી છે જ્યારે મૃત સંગ્રહ શક્તિ 1287.57 એમસીએફટી છે. ગત ચોમાસમાં વિવિધ તાલુકાઓમાં વરસાદ સારો થયો હતો, પરંતુ અમુક તાલુકાઓમાં થોડાઘણા અંશે જ વરસાદી પાણી ડેમ સુધી પહોંચ્યા હતા, પરિણામે હાલનાં સમયે આ ડેમોમાં 2782.83 એમસીએફટી પાણીનો જીવંત સંગ્રહ જોવા મળી રહ્યો છે.

રાપરના તમામ 16 અને ભચાઉના તમામ 18 ડેમ તળિયા ઝાટક

ઉનાળાના દિવસો શરૂ થઇ ગયા છે. કાળઝાળ ગરમીને કારણે માનવ માત્રની સાથે પશુ-પંખીઓ પણ ત્રસ્ત બન્યા છે. તેવામાં નાની સિંચાઇના 170 ડેમમાંથી 95 ડેમ તળિયા ઝાટક થઇ ગયા છે, જેમાં ભુજ તાલુકાનાં 35 ડેમમાંથી 24 ડેમ, અંજારમાં 12 ડેમમાંથી 7 ડેમ, માંડવીમાં 21 ડેમમાથી 1 ડેમ, મુન્દ્રામાં 11 ડેમમાંથી 2 ડેમ, નખત્રાણામાં 16 ડેમમાંથી 11 ડેમ, લખપતમાં 17 ડેમમાંથી 9 ડેમ, અબડાસાનાં 24 ડેમમાંથી 7, રાપરનાં 16 ડેમમાંથી 16 અને ભચાઉનાં 18માંથી 18 ડેમમાં સીલ લેવલ કરતાં પણ નીચું પાણી જોવા મળી રહ્યું છે.

75 ડેમમાં સીલ લેવલથી ઉપર ભરાયેલું પાણી

જેમ ગરમી વધુ પડશે તેમ પાણીનું બાષ્પીભવન પણ વધુ થાય તે સ્વાભાવિક છે. પરિણામે હાલનાં સમયે નાની સિંચાઇનાં સીલ લેવલથી ઉપર ભરાયેલા ડેમો પર નજર કરવામાં આવેતો ભુજ તાલુકાનાં 11 ડેમ, અંજાર તાલુકાના 5 ડેમ, માંડવી તાલુકાના 20 ડેમ, મુન્દ્રા તાલુકાના 9 ડેમ, નખત્રાણા તાલુકાના 5 ડેમ, લખપત તાલુકાના 8 ડેમ, અબડાસા તાલુકાનાં 17ડેમ મળી કુલ 75 ડેમનો સમાવેશ થાય છે. આ ડેમો સિંચાઇ માટે પાણી આપી શકાય તેવી સ્થિતિમાં છે.

170 ડેમોમાં હાલના સમયે હયાત પાણીનો જથ્થો

જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં તમામ ડેમમાં હયાત પાણીનાં જથ્થા ઉપર નજર કરવામાં આવે તો ભુજના 35 ડેમમાં 87.50 એમસીએફટી, અંજારના 12 ડેમમાં 26.72 એમસીએફટી, માંડવીના 21 ડેમમાં 1837.82 એમસીએફટી, મુન્દ્રાના 11 ડેમમાં 518.16 એમસીએફટી, નખત્રાણાનાં 16 ડેમમાં 28.74 એમસીએફટી, લખપતના 17 ડેમમાં 61.50 એમસીએફટી, અબડાસાના 24 ડેમમાં 222.39 એમસીએફટી જ્યારે રાપરના 16 અને ભચાઉના 18 ડેમમાં જીવંત જથ્થો નીલ જોવા મળી રહ્યો છે.

  • Follow us on: