ભુજ ખાતે વર્ષોથી વહેલી સવારે બસ સ્ટેશન રોડ ઉપર શાકમાર્કેટ ભરાતી હતી, પરંતુ બસ પોર્ટલ કાર્યરત થતાં ટ્રાફિક સમસ્યામાં વધારો થયો હતો. જેને ધ્યાને લઇને માર્કેટને ખેસડીને પેટ્રોલ પંપની સામેના રોડ ઉપર ખસેડવામાં આવી હતી. પરંતુ ધીરે ધીરે શાકમાર્કેટ વિસ્તરીને અનમ રિંગ રોડ સુધી પહોંચી ગઈ હતી. જેને કારણે અનમ રિંગ રોડના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. કારણ કે માર્કેટ બપોર સુધી ભરાતી હોય અહીંના વેપારીને રોજગાર, ધંધામાં મુશ્કેલીઓ પડતાં પાલિકાને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી.
ઓપન એર થિયેટર હાલ બંધ હાલતમાં
વેપારીઓની રજૂઆતોને ધ્યાને લઈને પાલિકા દ્વારા આ શાકમાર્કેટને અહીંથી ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માટે ચારેક જેટલા વિકલ્પો સંદર્ભે ચર્ચા કરવામાં આવ્યા બાદ અંતે પાલિકા હસ્તકના ગ્રાઉન્ડમાં જ શાકમાર્કેટ ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બસ પોર્ટની સામે પાલિકા હસ્તકના ઓપન એર થિયેટર કે જે હાલ બંધ હાલતમાં છે. તેની આગળનું ગ્રાઉન્ડ કે જેનો લોકો પોતાના ફોર વ્હિલર સહિતના વાહનો પાર્ક કરવા માટે ઉપયોગ કરી રહ્યા રહ્યા છે, એ જ ગ્રાઉન્ડમાં શાકમાર્કેટને ખસેડવાનો પાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે પાલિકા દ્વારા શનિવારે સવારથી જ ભંગાર વાહનો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. બાદમાં સમગ્ર ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવામાં આવશે. ટૂંક સમયમાં જ અહીં શાકમાર્કેટ ધમધમતી થઈ જશે.
અનમ રિંગ રોડના વેપારીઓ દ્વારા કરાયેલી રજૂઆતો ફળી
વર્ષોથી ભુજના બસ સ્ટેશન સામેના રોડ ઉપર વહેલી સવારે શાકમાર્કેટ ભરાતી હતી, પરંતુ બસ પોર્ટલ શરૂ થતાં બસોનું આવાગમન વધ્યું. શાકમાર્કેટને કારણે ટ્રાફિક સમસ્યા જોવા મળતા આ માર્કેટને હટાવીને પેટ્રોલપંપ સામે ખસેડવામાં આવી હતી, પરંતુ ધીરે ધીરે શાકમાર્કેટ વધીને છેક અનમ રિંગ રોડ ઉપર પહોંચી જતાં અહીંના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. કારણ કે, વહેલી સવારથી બપોર સુધી વિવિધ શોરૂમના આગળના ભાગે શાકભાજીના લારી ધારકો, ફેરિયાઓ ઊભા રહેવાને કારણે દુકાનદારોને પોતાના વાહનો પાર્ક કરવાની સાથે ગ્રાહકોને શો રૂમ સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હોવાની તેમજ સતત શોરબકોર રહેતો હોવાની વેપારીઓ દ્વારા પાલિકાને અવારનવાર રજૂઆતો કરવામાં હતી.
પાલિકા દ્વારા એર થિયેટરના ગ્રાઉન્ડની સફાઈ શરૂ કરાઈ
પાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અનમ રિંગ રોડ ઉપરથી શાકમાર્કેટને ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ પાલિકા કચેરી નવી બની રહી છે, તેની બાજુમાં ઓપન એર થિયેટરની આગળના ભાગે ગ્રાઉન્ડમાં કે જ્યાં પાલિકા દ્વારા પહેલા સિટી બસ માટે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું, પરંતુ હાલ લોકો વાહનોના પાર્કિગ માટે ગ્રાઉન્ડનો ઉપયોગ કરી રહ્યા છે તે સ્થળે ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં હાલ પાલિકાના ભંગાર વાહનો મૂકવામાં આવ્યા છે, તેને શનિવારે સવારથી જ દૂર કરીને ઓપન એર થિયેટરમાં મૂકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાદમાં સમગ્ર પરિસારની સાફ સફાઈ કરવામાં આવશે. ટૂંક સમયમાં આ ગ્રાઉન્ડ ઉપર શાકમાર્કેટ ધમધમતી થઈ જશે.
વાહનો પાર્ક કરવા માટે લોકોએ હવે નવી જગ્યા શોધવી પડશે
ભુજ શહેરમાં હાલ વાહનો પાર્ક કરવા તે માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહ્યું છે. એક પણ રોડ ઉપર પાર્કિગ માટે વ્યવસ્થા નહીં હોવાને કારણે ખાસ કરીને ફોર વ્હીલર વાહનો લઈને આવતા લોકોને ફરજિયાતપણે દૂર સુધી વાહનો પાર્ક કરવા પડી રહ્યા છે. અત્યાર સુધીમાં લોકો વાણિયાવાડ કે છઠ્ઠીબારી રિંગ રોડ ઉપર ખરીદી માટે આવતા ત્યારે વાહન ઓપન એર થિયેટરના ગ્રાઉન્ડમાં પાર્ક કરતા હતા, પરંતુ અહીં સવારથી લઈને બપોર સુધી શાકમાર્કેટ ધમધમતી થઈ ગયા બાદ લોકોને ફરજિયાતપણે પોતાના વાહનો પાર્ક કરવા માટે હવે નવી જગ્યા શોધવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.