ભુજ પાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટેની વેરા વસૂલાતની કામગીરીનો વિધિવત્ રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે સાડા દસ કલાકે વેરા વસૂલાતની કામગીરીના પાલિકા દ્વારા શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે વેરો ભરવા આવનારા પ્રથમ 10 મિલકત ધારકોનું પાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પ્રથમ દિવસે જ કુલ 220 જેટલા મિલકત ધારકોએ તેમના વેરાની ભરપાઈ કરતાં પાલિકાને રૂ. 11 લાખ જેટલી વેરા પેટે આવક થવા પામી હતી. પાલિકા દ્વારા જૂન માસ સુધી ચાલુ વર્ષનાં વેરાની ભરપાઈ કરનાર મિલકત ધારકોને 10 ટકા જેટલું મિલકત વેરા પર રિબેટ આપવામાં આવશે.


વર્ષ 2024-25માં રૂ. 22.91 કરોડની ઐતિહાસિક વેરા વસૂલાત કરવામાં સફળતા મળી હતી

પાલિકાના ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભુજ પાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 22.91 કરોડની ઐતિહાસિક વેરા વસૂલાત કરવામાં સફળતા મળી હતી, પરંતુ 1લી એપ્રિલથી સરકારની ઈ-નગર સેવા બંધ કરવામાં આવી હતી. જેને કારણે નાણાકીય વર્ષ 2024-25 માટેની વેરા વસૂલાતની કામગીરી મંગળવાર, 15 એપ્રિલ સુધી બંધ રાખવાની પહેલેથી જ પાલિકા દ્વારા જાહેરાત કરી દેવામાં આવી હતી. જેને કારણે મિલકત ધારકોને વેરાની ભરપાઈ માટે કચેરી સુધી ધક્કો ન થાય, પરંતુ સરકાર દ્વારા તા. 16 એપ્રિલથી ઇ-નગર શરૂ કરવામાં આવતાં પાલિકા દ્વારા 2025-26ના વર્ષ માટે વેરા વસૂલાતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં પાલિકાની પરંપરા મુજબ પ્રથમ દિવસે વેરો ભરવા આવનારા પ્રથમ 10 મિલકત ધારકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

વધુમાં તેમણે વેરા વસૂલાતની કામગીરી શરૂ થવાની સાથે જ મિલકત ધારકોની વેરાની ભરપાઈ માટે કાઉન્ટર ઉપર લાઈનો જોવા મળી હતી. પરિણામે એક જ દિવસમાં 120 જેટલા મિલકત ધારકોએ ચાલુ નાણાકીય વર્ષ માટે પોતાનાં વેરાની ભરપાઈ કરતાં પાલિકાને રૂ. 11 લાખ જેટલી આવક થવા પામી છે તેમ જણાવી અંતમાં ઉમેર્યુ હતું કે, નાણાકીય વર્ષ 2025-26ના માત્ર ચાલુ વર્ષના લેણાં બાકી હશે તેમને એપ્રિલ, મે અને જૂન સુધીમાં અંદાજિત 10 ટકા જેટલું મિલકત વેરા પર રિબેટ આપવામાં આવશે, જેનો પણ લાભ લેવા મિલકત ધારકોને અનુરોધ કરવામાં આવે છે.

પાલિકાને ટેક્સ પેટે રૂ. 9,47,198ની વસૂલાત

ભુજ પાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે વેરા વસૂલાતની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે પ્રથમ દિવસે જ પાલિકાને વેરા પેટે રૂ. 11,24,558ની વસૂલાત થવા પામી છે. જેમાં ટેક્સ પેટે રૂ. 9,47,198 વ્યવસાય વેરા પેટે રૂ. 1,42,806 દુકાનભાડું-જનરલ ટેક્સ પેટે રૂ. 20,354 અને વોટર ટેન્કર પેટે રૂ. 14,200ની વસૂલાતનો સમાવેશ થાય છે.

પાલિકાએ પ્રથમ 10 મિલકત ધારકોને સન્માનિત કર્યા

પાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે વેરાની ભરપાઇઈ કરનાર પ્રથમ 10 મિલકત ધારકોને પરંપરા મુજબ સન્માનિત કરવામાં આવ્યા તેમાં પીર સબીકાબાબી અમીરશા, ફિરદોશબાનુ, વોરા દિવાકર જુગતરામ, પ્રેમીલાબેન પ્રદીપભાઈ દવે, ઊર્મિલાબેન રતનગિરિ ગોસ્વામી, જગદીશ અમૃતલાલ મહેતા, જયનગર કો.ઓ. હાઉસિંગ સોસાયટી, અનિલ કપૂરચંદ શેઠ, મનજી લખમણ પટેલ, જ્યોતિબેન લહેરીકાંત સોની અને ત્રીજલકુમાર અરુણકાંત છાયાનો સમાવેશ થાય છે.

  • Follow us on: