ભુજ પાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટે રાજાશાહી સમયના નાળાની સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયા બાદ પણ ચોમાસા દરમ્યાન જળબંબાકારની પરિસ્થિતિ યથાવત જ રહે છે. મહત્ત્વની બાબત એ છે કે, અગાઉ નાળા સફાઈ પાછળ રૂ. 5થી 7 લાખ સુધીનો ખર્ચ થતો હતો. જે વર્ષ 2024માં વધીને 12 લાખને આંબી ગયો હતો, પરંતુ સમસ્યાનો ઉકેલ આવશે કેમ ? તે કહેવું મુશ્કેલ છે, તેની વચ્ચે આ વર્ષે પાલિકા નાળા સફાઇ પાછળ રૂ. 25 લાખનો ખર્ચ કરશે.
નગરપાલિકાના શાસકો દ્વારા દાવો કરાયો છે કે, આ વખતે પ્રથમવાર નાળા સફાઇ પૂર્વે સંખ્યા સહિતનો સર્વે કરવા કન્સલટન્ટ નિમવામાં આવ્યા હતા. જે સર્વેમાં શહેરમાં 45થી 49 નહીં પરંતુ 80 જેટલા વરસાદી પાણીના નાળા હોવાનું જણાવાયા બાદ નાળા સફાઇ માટે પાલિકાનો ખર્ચ પણ બમણા કરતાં વધુ અંદાજ રાખીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીમાં હમીરસર, દેશલસર સહિતના રાજાશાહી સમયના તળાવની તમામ આવની સફાઇની સાથે વરસાદી પાણીના નિકાલ માટેનાં નાળાની સફાઇ કરાશે. જોકે, આ વખતે પહેલીવાર શહેરમાં કેટલા વરસાદી નાળા છે ? તેનો સર્વે કરવા માટે કન્સલટન્ટ નીમવામાં આવ્યા હતા, જે સર્વેનો રિપોર્ટ પણ પાલિકાને સોંપવામાં આવ્યો છે. જેમાં શહેરમાં કુલ 80 જેટલા વરસાદી પાણીના નાળા હોવાનું જણાવાયું છે.
પ્રથમ પ્રયત્ન નિષ્ફળ રહ્યા બાદ બીજા પ્રયાસમાં ત્રણ પાર્ટીએ ટેન્ડર રજૂ કર્યા
નગરપાલિકા દ્વારા તમામ નાળાની સફાઇ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ પ્રયત્નમાં કોઇપણ પાર્ટીએ રસ દાખવ્યો ન હતો. બાદમાં પાલિકા દ્વારા બીજો પ્રયત્ન કરાતાં ત્રણ પાર્ટીએ રસ દાખવ્યો છે. આગામી બે દિવસમાં ટેન્ડર ખોલવામાં આવશે અને જેના નીચા ભાવો હશે, તેને નાળા સફાઇનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જોકે, નાળાની સંખ્યામાં વધારો થતાં નગરપાલિકા દ્વારા નાળા સફાઇ પાછળ રૂ. ૨૫ લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે તેમ કારોબારી ચેરમેને જણાવ્યું હતું.
વરસાદી નાળામાંથી બાવળ, માટી, રેતી, પથ્થર અને કચરો સહિત દૂર કરાશે
આગામી ચોમાસાને ધ્યાને લઇને શહેરમાં કોઇપણ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને થાય તેવા સ્થળોએ ઝડપભેર પાણીની નિકાલ થઇ જાય તેવા ઉદેશ્ય સાથે પ્રિમાન્સૂન કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. નાળા સફાઇમાં મુખ્યત્વે નાળામાં ઉગેલા ગાંડા બાવળની સફાઇ, માટી, રેતી, પથ્થરોનો નિકાલ, કચરાનો નિકાલ કરવા સહિતની કામગીરી હાથ ધરાશે. રહેવાસીઓને પણ કચરો વરસાદી નાળામાં નહીં નાખવા માટે પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
શહેરનાં વોર્ડ નં. 7, 8 અને 9માં સૌથી વધુ 28 વરસાદી નાળાનો સર્વે કરાયો
પાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સમગ્ર શહેરમાં 80 જેટલા વરસાદી નાળાઓ હોવાનું સામે આવ્યું છે, જેમાં વોર્ડ નં. 1, 2 અને 3માં કુલ 21 વરસાદી નાળાઓ છે. વોર્ડ નં. 4, 5 અને 6માં 11 વરસાદી નાળા, વોર્ડ નં. 7, 8 અને 9માં કુલ 28 વરસાદી નાળા, વોર્ડ નં. 10 અને 11માં કુલ 21 વરસાદી નાળા મળીને સમગ્ર શહેરમાં વરસાદી પાણીનાં નિકાલ માટે 80 જેટલા નાળાઓ નોટીફાઇડ કરવામાં આવ્યા છે, જેની સફાઇ માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ અપાશે.
નાળા સફાઈમાં ખર્ચ વધવા છતાં સમસ્યા ઘટવા બદલે પ્રતિવર્ધ વધવાની દિશામાં
નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત રાજાશાહી સમયના હમીરસર તળાવની 40થી 45 જેટલી આવની સફાઇ કરવામાં આવતી હતી. જેને કારણે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ હમીરસર તળાવમાં કરી શકાય પરંતુ અગાઉ ઉપરવાસમાં ત્રણ-ચાર ઇંચ વરસાદમાં જ ઓવરફ્લો થઇ જતું હમીસર તળાવ હવે 12-15 ઈંચ વરસાદ બાદ ઓગનતું નથી. આટલું જ નહીં પરંતુ પ્રતિવર્ષ વરસાદી નાળાની સફાઈમાં ખર્ચ વધે છે પરંતુ પાણી ભરાવાની સમસ્યા પણ પાછલા વર્ષો કરતાં શહેરમાં વકરી રહી હોવાની પણ ફરિયાદો દર ચોમાસે સાંભળવા મળે છે. આ સંજોગોમાં આ વર્ષે કેવી કામગીરી થશે ? તે અંગે સ્વાભાવિકપણે લોકોમાં શંકા-કુશંકાઓ ઉઠી રહી છે.