- દીપકને પ્રજ્વલિત કરવા માટે ચાર ફૂટની મશાલ બનાવી
- દીવાને પ્રગટાવવા માટે 15 કિલોગ્રામની વજનદાર દીવેટ
- એક જ વખતમાં 850 કિલોગ્રામ જેટલુ ઘી સમાઈ શકે છે
અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશવાસીઓમાં ઉત્સાહ છે ત્યારે વડોદરાના અરવિંદ પટેલ નામના ખેડૂતે રામ મંદિરને ભેટ આપવા સવા નવ ફૂટ ઊંચો વિશાળ દીવો બનાવ્યો છે. વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તા.22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મ સ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ દિવસે નવા બનેલા મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે
વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ મને થયુ હતુ કે, આ સાથે આવો જ એક દીવો પણ ભગવાન રામના મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ. એટલે યુદ્ધના ધોરણે દીવો બનાવવાનું કામ શરુ કરાવ્યું હતું.

મકરપુરા જીઆઈડીસીના એક કારખાનામાં 10 જેટલા કારીગરોએ 12 દિવસમાં રોજ સતત 24 કલાક કામ કરીને આ દીવો બનાવ્યો છે. સ્ટીલમાંથી બનેલા દીવા પર રંગ કરાયો છે, જેનું કુલ વજન 1100 કિલો છે. એનો ઘેરાવો આઠ ફૂટનો છે. તેના પાયાનો ઘેરાવો લગભગ પાંચ ફૂટનો છે. એની ઉંચાઈ સાડા નવ ફૂટની છે. એક જ વખતમાં આ દીવામાં લગભગ 851 કિલો ઘી સમાઈ શકે છે.
દીવાને પ્રગટાવવા માટે 15 કિલોગ્રામની મોટી દીવેટ પ્રગટાવવી પડે છે. દીવાને પ્રગટાવવા માટે 4 ફૂટની મશાલ પણ બનાવવામાં આવી છે અને દીવેટ સુધી પહોંચવા માટે લગભગ 8 ફૂટની અલાયદી સીડી પણ બનાવાઈ છે.અને આ દીવો પ્રજ્વલિત થાય તો એક વર્ષ સુધી પ્રજ્વલિત રહી શકે છે.

રામ મંદિર માટે બનાવવામાં આવેલા દીવાને અયોધ્યા મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દીવાને અયોધ્યાના રામ મંદિરમાં મુકવા માટેની જરૂરી પરમિશનો લેવાઈ રહી છે.જોકે હાલ શહેર માં આ વિશાળ દીવો આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.