પાટણના સિદ્ધપુરમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. પાટણની SOGની ટીમે સિદ્ધપુરના રસુલપૂર ગામેથી બોગસ ડોકટરને ઝડપી પાડ્યો. બોગસ ડોક્ટર રસુલપુર ગામમાં ભાડેથી મકાન રાખીને દવાખાનું ચલાવતો હતો. SOGની ટીમને બાતમી મળી હતી કે રસુલપુર ગામમાં દવાખાનું ચલાવનાર ડોક્ટર પાસે ડિગ્રી નથી છતાં દર્દીઓની સારવાર કરી રહ્યો છે. SOGની ટીમે દવાખાના પર દરોડા પાડી મેડિકલ સાધનો સહિત કુલ 3211નો મુદ્દામાલ જપ્ત કર્યો. દરોડા પાડયા બાદ ડોક્ટર પાસે ડિગ્રીનું સર્ટિફિકેટ માગતા આ શખ્સ બોગસ તબીબ હોવાનો પર્દાફાશ થયો.
બાતમીના આધારે કાર્યવાહી
રાજ્ય સરકાર અત્યારે ગુનેગારો અને શાંતિ ભંગ કરનારા અસમાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે. કોઈને પણ હવે બક્ષવામાં નહીં આવે તેવી નીતિ સાથે દાદાની સરકારે નાગરિકો દ્વારા કરાતી ફરિયાદો પર ગંભીર વલણ અપનાવ્યું છે.પાટણના સિદ્ધપુરમાં SOGની ટીમને ડિગ્રી વગરના ડોક્ટર દર્દીઓની સારવાર કરતી હોવાની ફરિયાદ મળી હતી. જેના બાદ SOGએ પોતાના બાતમીદારોને સક્રિય કર્યા અને રસુલપુરમાં બની બેઠેલા બોગસ ડોક્ટરના દવાખાના પર રેડ પાડી. બોગસ ડોકટર પાસે કોઈ પણ જાતની ડિગ્રી ના હોવા છતાં બીમાર દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું સામે આવ્યું. દર્દીઓના જીવ જોખમમાં મૂકનાર બોગસ ડોક્ટર અસકરઅલી ગુલામહુસેનને ઝડપી પાડ્યો.
SOGની ટીમે જપ્ત કર્યો સામાન
સિદ્ધપુરના રસુલપુર ગામમાં બોગસ ડોક્ટરના દવાખાના પર પાડેલ દરોડામાં SOGની ટીમ ઈન્જેક્શનો, દવાઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો. રસુલપુર ગામમાં ડોક્ટર બની બેઠેલા કહેવાતા શખ્સે દર્દીઓની સારવાર કરતા તેમને ઇન્જેકશનો અને એન્ટીબાયોટકિ દવાઓ આપી હતી. દવાખાનામાંથી મળેલ તમામ મેડિકલ સાધનોની તપાસ કરવામાં આવશે. બોગસ ડોક્ટર દ્વારા દર્દીઓને અપાતી દવાઓ કઈ કંપનીની છે તેની ખાસ તપાસ થશે. કારણ કે ચોક્કસ કંપનીને ફાયદો કરાવવા છેવાડાના વિસ્તારમાં આવા બોગસ ડોક્ટર પોતાનો ધંધો ચલાવવા લાગ્યા છે.
ગલીએ-ગલીએ ફૂટી નીકળ્યા બોગસ ડોક્ટર
અગાઉ પાટણમાં જ જાખેલ ગામમાં એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હતો. હવે તેના બાદ રસુલપુર ગામમાંથી બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનો પર બોગસ ડોક્ટરોના કાંડનો પર્દાફાશ થયો હોવાનું અનેક વખત સામે આવ્યું છે. કહી શકાય કે ગામની ગલીએ ગલીએ અને શહેરોમાં પાનના ગલ્લાની જેમ આવા બોગસ ડોક્ટરો ફૂટી નીકળ્યા છે. બોગસ ડોકટરો દવાખાના બનાવી પોતાના કાળા કારોબારથી કમાણી કરી રહ્યા છે. આજે તંત્રની સાથે પ્રજાએ પણ જાગૃક બની સારવાર કરાવતી વખતે ડોક્ટર પાસે ડિગ્રી છે કે નહીં તેની અવશ્ય જાણકારી રાખવી જોઈએ. જાગૃકતા જ આજના સમયની માગ છે. જેથી આવા બની બેઠેલા ડિગ્રી વગરના ડોક્ટરો દર્દીઓના જીવ જોખમમાં ના મૂકી શકે.