નવસારીમાં જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવમાં બાળકનું ડૂબવાના કારણે નિપજયું મોત. દેસાઈ તળાવમાં બાળક બોલ લેવા પડ્યો હતો અને તળાવનું પાણી વધુ ઊંડું હોવાના કારણે બહાર નીકળી શકયો નહીં. તળાવમાંથી બહાર ના નીકળી શકવાના કારણે બાળકનું મોત નિપજયું. મહાનગર પાલિકાની ટીમે દેસાઈ તળાવમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડયો.
રમતા રમતા તળાવમાં લેવા ગયો બોલ
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ જલાલપોરના વિસ્તારના દેસાઈ તળાવ પાસે ગત રોજ દિવસ દરમ્યાન બાળકો રમતા હતા. બાળકો ક્રિકેટ રમતા હતા દરમિયાન બોલ તળાવના પાણીમાં પડ્યો. ત્યારે જે બેટસમેનના સિવાયના જે બાળકો ફિલ્ડીંગ કરતા હતા તેમાંનો એક બાળક તળાવમાં પડ્યો. આ બાળક તળાવમાંથી બોલ લેવા ગયો અને પાછો જ ના આવ્યો. બીજા બાળકોને લાગ્યું કે તે મસ્તી કરતો હશે એટલે વધુ ધ્યાન ના આપ્યું. ત્યારે આ વિસ્તારમાં બાળક ગુમ થયાનું સામે આવતા પોલીસ પણ શોધવાની કામગીરીમાં લાગી. બાળકનું નામ ભૌતિક પંકજભાઈ ગૌસ્વામી હોવાનું સામે આવ્યું છે.
તળાવમાં ઉંડા પાણીના કારણે બાળકનું થયું મોત
દેસાઈ તળાવ પાસે ખોદકામની પણ કામગીરી ચાલી રહી છે. તે ધ્યાને રાખી પોલીસે પ્રાથમિક ધોરણે તપાસ કરી તો જાણવા મળ્યું કે તળાવની આસપાસ બાળકો ક્રિકેટ રમતા હતા. ત્યારે તળાવમાં પડી ગયેલ બોલ લેવા ગયેલ એક બાળક પાછો જ આવ્યો નહોતા. આ માહિતી મળ્યા બાદ પોલીસે ફાયરબ્રિગેડની મદદ લઈ તળાવમાં બાળકની શોધખોળ હાથ ધરી. ફાયરબ્રિગેડને અને પોલીસે 4 થી 5 કલાક મહેનત કર્યા બાદ આખરે તળાવમાંથી અંદાજે 12 થી એક વાગ્યાની આસપાસ બાળકનો મૃતદેહ મોડી રાતે મળી આવ્યો. તળાવમાં 8 થી 10 ફૂટ ઊંડાં પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું મોત નિપજયું. પોલીસે મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો. જલાલપોર પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ શરૂ કરી.