ભુજમાં લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ જન્મજ્યંતીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે દરિયાસ્થાન મંદિરે પૂજા-અર્ચના કરવામાં આવ્યા બાદ જલયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે સાંજના સમયે વાજતે ગાજતે રવાડી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજનાં લોકો જોડાયા હતાં. રવાડીના વિરામ સમયે સમૂહપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


શાસ્ત્રોક્ત વિધીથી પૂજનવિધિ કરવામાં આવી

દરિયાલાલ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શહેરનાં ચોક ફળિયા સ્થિત દરિયાસ્થાન મંદિર ખાતે સવારે શાસ્ત્રોક્ત વિધીથી પૂજનવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત સંગીતમય આરતી બાદ હાંડલા ગરબી મંડળના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા લોહાણા મહાજનના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં દરિયાસ્થાન મંદિરેથી રઘુનાથજી મંદિર સુધી જલયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં યજમાન પરિવાર દ્વારા વરૂણ દેવતાનું પૂજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે દરિયાસ્થાન મંદિરેથી વાજતે-ગાજતે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું.

વિવિધ રઘુવંશી મંડળો દ્વારા મહાજન પ્રમુખ તથા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું

વિવિધ સુશોભિત ફ્લોટ, બેન્ડ પાર્ટી, ડી.જે. પાર્ટી, સંગીત પાર્ટી, ધર્મ ધ્વજા, ઘોડા, પાલખી, વિક્ટોરિયા, સુશોભિત ઉંટગાડી સાથે દરિયાસ્થાન મંદિર ચોક ફળિયા નીકળેલી શોભાયાત્રા છઠ્ઠી બારી રિંગરોડ, બસ સ્ટેશન, મિડલ સ્કૂલ, રાજન શો રૂમ થઇ મહાજનવાડીએ પહોંચી હતી. જ્યાં શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઇ ત્યારે વિવિધ રઘુવંશી મંડળોએ પણ મહાજન પ્રમુખ તથા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. રૂટ ઉપર દાબેલી સહિતનાં અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાજન વાડીમાં જ્ઞાતિજનો માટે સમૂહપ્રસાદ યોજાયો હતો. જેમાં લોહાણા જ્ઞાતિજનો, પંચકોશી વિસ્તારના જ્ઞાતિજનો, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિજનો સહિતના લોકો જોડાયા હતા. રાત્રિનાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અનેક લોકો રહ્યા હાજર

દરિયાલાલ જ્યંતીના અનુસંધાને યોજાયેલા વિવિધ કાર્યક્રમનાં મુખ્યદાતા તરીકે રાધાબેન નારણજી ઠક્કર પરિવાર રહ્યા હતા. આ તકે મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઇ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, મંત્રી હિતેષભાઇ ઠક્કર, ખજાનચી મૂળરાજભાઇ ઠક્કર, સહમંત્રી સંજયભાઇ ઠક્કર, સહમંત્રી ડો. પ્રફૂલ્લાબેન કોટક, મહિલા મંડળ પ્રમુખ મમતાબેન ઠક્કર, યુવા મંડળ પ્રમુખ નીલ સચદે સહિત ભુજ લોહાણા મહાજનના કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

  • Follow us on: