પાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભુજ હાલ 56 ચો.કિમીની ત્રિજ્યામાં ફેલાઈ ગયું છે, ત્યારે તેમાં વ્યવસ્થિત સફાઈ થાય તે માટે પાલિકા દ્વારા શહેરને ચાર ઝોનમાં વહેંચીને સફાઈનું ટેન્ડર કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન-1માં વોર્ડ નં.1,2 અને 3 , ઝોન-2માં વોર્ડ નં. 5 અને 6, ઝોન-3માં વોર્ડ નં. 4, 9 અને 10 અને ઝોન-4માં વોર્ડ નં. 7, 8 અને 11નો સમાવેશ કરવામાં આવ્યો છે.
શહેરની સફાઈ માટે પહેલાં સફાઈ કર્મચારીની સંખ્યા નિર્ધારિત હતી નહીં. જેને ધ્યાને લઇને પાલિકા દ્વારા નવું ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં દરેક વોર્ડમાં સંખ્યા, ટ્રેક્ટર અને ડોર ટુ ડોરના છકડા માટેની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. આ સિવાય ટૂરિસ્ટોને ધ્યાનમાં રાખી મુખ્ય માર્ગો, રેલવે સ્ટેશન, બસ પોર્ટ, એરપોર્ટ સહિતના તમામ સ્થળોની વ્યવસ્થિત સફાઇ થાય તેને ધ્યાનમાં રાખી હાલના સફાઈ કોન્ટ્રાક્ટમાં માસિક રૂપિયા 10 લાખનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાલિકા દ્વારા 20 કર્મચારીઓનો વધારો કરવાની સાથે સાથે વોર્ડ ટુ વોર્ડ કચરા કલેક્શન માટે 10 છકડા વધારવામાં આવ્યા છે. આ સિવાય કચરાના ઢગલા ઉપાડવા માટે 4 ટ્રેક્ટરનો પણ વધારો કરવામાં આવ્યો છે. જેના પરિણામે કુલ રૂ.10 લાખનો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે પહેલા પાલિકા દ્વારા માસિક રૂ. 63, 17, 486 ચૂકવવામાં આવતા હતા, જ્યારે હવે સફાઈ માટે દર માસે રૂ. 73, 07, 816નો ખર્ચ કરવામાં આવશે.
શહેરના ચારે ચાર ઝોનમાં સફાઈ ખર્ચમાં વધારો કરાયો
ભુજ પાલિકા દ્વારા શહેરના ચાર ઝોનમાં સંપૂર્ણ સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પાલિકા દ્વારા પહેલા સફાઈ માટે માસિક રૂ. 63,17,486 ચૂકવવામાં આવતા હતા, પરંતુ તાજેતરમાં રૂ. 10 લાખનો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે પાલિકાને હવે માસિક સફાઇ પેટે રૂ. 73, 07, 816નો ખર્ચ થવા પામશે. ઝોન વાઇઝ વધારાયેલા ખર્ચ ઉપર નજર કરવામાં આવે તો ઝોન 1માં પહેલાં રૂ. 12,23,760 ચૂકવાતા હતા હવે રૂ. 14,94,300 ચૂકવાશે. ઝોન 2માં પહેલાં રૂ. 13,11, 119 સામે હવે રૂ. 15,34,439 ચૂકવાશે. ઝોન 3માં પહેલાં રૂ. 18,15,339 સામે હવે રૂ. 20,26,659 તેમજ ઝોન 4માં પહેલાં રૂ. 19,67,268 ચૂકવાતા હતા, તેની સામે હવે રૂ. 22,52,418 ચૂકવવામાં આવશે. આમ, પાલિકા દ્વારા માસિક કુલ રૂ. 63, 17,486 સામે હવે રૂપિયા 73,07,816 ચૂકવવામાં આવશે.
દરરોજ 209 સફાઈ કર્મચારીઓ શહેરની સફાઈ કરશે
ભુજ પાલિકા દ્વારા શહેરનાં 1થી 11 વોર્ડમાં સફાઇની કામગીરી વ્યવસ્થિત થાય તે માટે સફાઇ કામદારોની સંખ્યા 179માંથી વધારીને 209 કરવામાં આવી છે. એ જ રીતે ટ્રેક્ટરની સંખ્યા 20ની હતી તેને 23 કરાઈ છે. જ્યારે મિની ટ્રિપરની સંખ્યા 26માં 7નો વધારો કરીને 31 કરાઇ છે. ટ્રેક્ટરની સંખ્યા 60ની હતી તેમાં 9નો વધારો કરીને 69 કરવામાં આવી છે. સફાઇ માટે પહેલાં 52 મિની ટ્રિપરનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેમાં 14નો વધારો કરીને 66ની કરવામાં આવી છે. સફાઇ કર્મચારી અને તેને સફાઇ માટે જરૂરી એવા વાહનોની સંખ્યામાં વધારો કરવાને કરાણે સફાઇ માટે કોન્ટ્રાક્ટરની માસિક રકમમાં રૂ. 10 લાખનો વધારો કરવામાં આવ્યા છે.
નવી બનતી કોલોનીઓમાં પણ સફાઈ માટે પાલિકા વ્યવસ્થા કરશે
સમગ્ર ભુજમાં જ્યાં ટૂરિસ્ટ પોઇન્ટ આવેલા છે ત્યાં રેગ્યુલર સફાઇ થાય અને મુખ્ય માર્ગો છે ત્યાં રોજેરોજ સફાઇ થાય તેવું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં સફાઇ થતી ન હોવાની અવારનવાર પાલિકાને ફરિયાદો પાલિકાને મળતી હતી, તેનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે પાલિકા દ્વારા અગ્રતા આપવામાં આવે છે. હાલે સમગ્ર ભુજ શહેર 56 ચો.કિ.મી.ની ત્રિજ્યામાં ફેલાઇ ગયું છે. પહેલાં ભુજ શહેર નાનું હતું. ચાર નાકા અને છઠ્ઠી બારીમાં સમાઇ જતું હતું, પરંતુ ચોતરફ નવી નવી કોલોનીઓ બની રહી છે, જેને કારણે પાલિકા દરેક જગ્યાએ સફાઇ માટે પાલિકા પહોંચી શક્તી નથી. અહીં પણ સફાઇ માટેની વ્યવસ્થા આવનારા દિવસોમાં પાલિકા દ્વારા કરવામાં આવશે.
રહેવાસીઓ અને પ્રવાસીઓને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા અનુરોધ
ભુજ શહેર કાયમ ચોખ્ખું અને ચણાક રહે તે માટે ખાસ કરીને રહેવાસીઓને જાગૃત થવાની જરૂર છે. તેઓ જ્યાં ત્યાં કચરો ન ફેંકે, માત્ર કચરાપેટીમાં જ કચરો ફેંકવાની આદત કેળવશે તો શહેરને સાફસુથરું રાખવામાં પાલિકાને ઘણંુ મદદરૂપ બની શકશે. પાલિકા દ્વારા શહેરનાં રહેવાસીઓ તેમજ બહારથી આવતા પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જ્યાં ત્યાં કચરો નાખીને ગંદકીમાં વધારો કરવામાં આવે નહીં, ઘરમાંથી નીકળતા ભીના કે સૂકા કચરાને માત્ર કચરાપેટીમાં નાખવામાં આવે. હવે તો પાલિકા દ્વારા શહેરનાં તમામ વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે, જેથી સમગ્ર શહેરને સાફ અને સુથરું તેમજ સુંદર રાખી શકાય.