ભુજમાં પાલિકાની કચેરી ભૂકંપ સમયે જર્જરિત થઈ જતાં તેને થાંભલાના ટેકે રાખવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ જર્જરિત બિલ્ડિંગમાં પાલિકાના કર્માચારીઓ દ્વારા સતત 21 વર્ષ સુધી જોખમી દીવાલો વચ્ચે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આજથી બે વર્ષ પહેલા પાલિકાની જૂની કચેરીને દૂર કરીને તેની જગ્યાએ અદ્યતન, તમામ સુવિધાઓથી સજ્જ નવી કચેરીનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.


કચેરીનું કામ મંથરગતિએ થતાં હજુ સુધી કામ પૂર્ણ થઈ શક્યું નથી

રૂપિયા 4.25 કરોડના ખર્ચે નિર્માણ થનારી પાલિકાની બિલ્ડિંગની કામગીરી જોકે,2024માં જ પૂર્ણ કરવાની હતી, પરંતુ કચેરીનું કામ મંથરગતિએ થતાં હજુ સુધી કામ પૂર્ણ થઈ શક્યું નથી. પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને બે વખત એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. જેની અવધિ પણ પૂર્ણ થઈ ચૂકી છે. દિવાળી બાદ ફેબ્રુઆરીના અંત સુધી કચેરી તૈયાર થઈ જવાની ખાતરી અપાઈ હતી, પરંતુ હજુ પણ ફરતે દીવાલ, પરિસર સહિતનાં કામો બાકી હોઈ લોકાર્પણ માટે હજુ પણ બે માસનો સમય નીકળી જાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

આ અંગે પાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાલિકાની કચેરી વર્ષ 2001માં આવેલા ભૂકંપને કારણે જર્જરિત થઇ ગઇ હતી. જેને જે તે સમયે ટેકા ઉપર ઊભી રાખવામાં આવી હતી, પરંતુ જે રીતે કચ્છમાં અવિરત નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતાં રહેતા હોવાથી તેના નવનિર્માણની જરૂરિયાત ઊભી થવા પામી હતી. જેના પરિણામે બે વર્ષ પહેલાં પાલિકાની નવી કચેરીના નિર્માણ માટે ગ્રાન્ટ મેળવવા સહિતનાં ચક્રો ગતિમાન કરવામાં આવતાં સરકાર દ્વારા કચેરીના નિર્માણ માટે અલગ અલગ હેડમાંથી રૂ. 4.25 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી.

પાલિકા દ્વારા ગત દિવાળી સુધીનું એક્સ્ટેન્શન આપવામાં આપ્યું હતું

જેના પગલે નવી કચેરીના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે સમયે એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની અવધિ નિયત કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ધીમી ગતિએ કરવામાં આવતાં અવધિ પૂર્ણ થઇ ગઇ હતી. બાદમાં પાલિકા દ્વારા ગત દિવાળી સુધીનું એક્સ્ટેન્શન આપવામાં આપ્યું હતું, તેમ છતાં પણ કામગીરી હજુ સુધી કામગીરી પૂર્ણ નહીં કરતાં ત્રીજીવાર એક્સ્ટેન્શન અપાયું હતું, જેમાં ફેબ્રુઆરીનાં અંત સુધી કચેરીની કામગીરી પૂર્ણ થઇ જવાનું જણાવાયું હતું. પરંતુ માર્ચ મહિનો પૂર્ણ થવા આવ્યો છે તેમ છતાં હજુ કચેરીને ફરતે દીવાલ, પરિસર સહિતની કામગીરી બાકી છે. ત્યારે એપ્રિલનાં અંત સુધીમાં નવી બિલ્ડિંગમાં પાલિકાની કચેરી ધમધમતી થાય તે માટે ગતિવિધિ તેજ કરવામાં આવી છે.

કમિશનર માટે અલાયદી કેબિન, મિટિંગ માટે હોલની વ્યવસ્થા

ભુજ પાલિકા દ્વારા જે નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું તે ખાસ કરીને મહાનગરપાલિકાને ધ્યાને લઇને બનાવવામાં આવ્યું છે. આ સંદર્ભે પાલિકા દ્વારા બે વાર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. તો તાજેતરમાં ભુજનાં ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રી સમક્ષ ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે લેખિતમાં રજૂઆત સાથે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, પાલિકા દ્વારા નવી નિર્માણ થઇ રહેલી કચેરીમાં પહેલાંથી જ કમિશનર માટે અલાયદી કેબિન, મિટિંગ માટે હોલ સહિતની વ્યવસ્થા કરી નાખવામાં આવી છે. જેને કારણે ભવિષ્યમાં સુવિધાને લઇને નવી કચેરીમાં કોઇ તોડફોડ કે વ્યવસ્થા ઊભી કરવાની જરૂરત ન રહે.

પાલિકા કચેરી ફરતે દીવાલ તથા પરિસરનાં લેવલિંગનું કામ બાકી

પાલિકા દ્વારા રૂ. ૪.૨૫ કરોડનાં ખર્ચે નિર્માણ થઇ રહેલી નવી બિલ્ડિંગનું 30 હજાર સ્ક્વેરફૂટમાં બાંધકામ કરવામાં આવી રહ્યંુ છે. આ કામગીરી માટે એજન્સીને કામગીરી પણ સોંપવામાં આવી છે, તેમાં ટેન્ડરમાં 4.38 ટકાના બિલો પણ આવ્યા છે. આ રકમમાંથી કચેરીનાં ફર્નિચર સહિતની સુવિધા માટે ઉપયોગી બનશે. જોકે, અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. 10 ટકા કામગીરી હજુ પણ બાકી છે, જેમાં કચેરી ફરતે દીવાલ, કચેરી ફરતે પરિસરનું લેવલિંગ સહિતનાં કામોનો સમાવેશ થાય છે. આ કામગીરી એપ્રિલનાં અંત સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવે તેવું અત્યારેતો લાગી રહ્યું છે.

ફાયરનાં સાધનો માટે અલગથી રૂ. 30 લાખની ગ્રાન્ટ ફાળવાઇ

પાલિકા દ્વારા રૂ. 4.25 કરોડનાં ખર્ચે નિર્માણ કરવામાં આવી રહેલી નવી બિલ્ડિંગમાં લિફ્ટ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેની સાથે સાથે ફાયર સેફ્ટીને ધ્યાને પણ લેવામાં આવી છે. આ માટે કચેરીની તમામ ઓફિસોમાં, લોબી સહિતની જગ્યાએ ફાયર સેફ્ટીનાં અદ્યતન સાધનો નાખવામાં આવશે. કોઇ કારણોસર નાની એવી આગની ઘટના બને તો પણ ઓટોમેટિક ફુવારા ચાલુ થઇ જાય તેવી સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે. આ ફાયર સેફ્ટીનાં અદ્યતાન સાધનો માટે પાલિકા દ્વારા 15મા નાણા પંચની બિનટાઇડ ગ્રાન્ટ 2024-25માંથી રકમની ફાળવણી કરવામાં આવી છે.

રૂ. 20 લાખનાં ખર્ચે બિલ્ડિંગ ફરતે આકર્ષક વોલ બનાવાશે

પાલિકા દ્વારા રૂ. 4.25 કરોડના ખર્ચે નવી પાલિકાની અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે, જેનું કામ પૂર્ણતાના આરે છે, પરંતુ બિલ્ડિંગ ફરતે દીવાલ તેમજ પરિસરના લેવલિંગ અને તેમાં ફ્લોર સહિતની કામગીરી કરવાની હજુ બાકી છે. ત્યારે પાલિકા દ્વારા આ માટે વધારાનો ખર્ચો પણ મંજૂર કરવામાં આવ્યો છે. નવી બિલ્ડિંગના ફરતે કમ્પાઉન્ડ વોલ માટે તાજેતરમાં પાલિકા દ્વારા રૂ. 20 લાખ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. આ રકમ પણ 15મા નાણાપંચની બિનટાઈડ ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવશે. હાલે કચેરીમાં ગ્રીલ, બારી નાખવા સહિતની કામગીરી યુદ્ધનાં ધોરણે કરવામાં આવી રહી છે.

  • Follow us on: