કચ્છમાં નલિયા સામુહિક દુષ્કર્મ અને હનીટ્રેપની ઘટનાની દહેશત હજી ભૂલાઈ નથી ત્યાં ભૂજમાં ફરી એક હનીટ્રેપની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં આજ રોજ એક મોટો ખૂલાસો થયો છે. જેમાં ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નેતા અબ્દુલ હમીદ સમા અને તેના સાગરીતો દ્વારા એક યુવકને ફસાવીને 22 લાખ પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ બાદ હનીટ્રેપમાં ભુજ એ ડિવિઝન પોલીસે ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નેતાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે.



કોંગ્રેસી નેતા અબ્દુલ હમીદ સમાની સંડોવણી બહાર આવી 

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ઘટનામાં આ યુવતીએ ભુજના કાલિકા રીંગરોડ નજીક રહેતા યુવકને ઈન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ બનેલી યુવતીએ હિલ ગાર્ડનમાં બોલાવીને ફસાવ્યો હતો.જેમાં યુવતીએ પહેલા ફોન અને વિડીયો કોલ કરીને તેની સાથે વાતચીત શરૂ કરી હતી અને ત્યારબાદ તેને ભૂજના ગાર્ડનમાં મળવા માટે બોલાવ્યો હતો. સાંજના સમયે જ્યારે તેઓ હીલ ગાર્ડનમાંથી બહાર નીકળતા હતા ત્યારે એક પુરુષે તેમને પકડી લીધા અને યુવતી બોલી કે 'આ મારા કાકા સસરા છે', આપણે અહીંયાથી ભાગી જઈએ. ગભરાયેલો યુવક યુવતીને લઈને પરત માધાપર મુકવા માટે જાય છે. માધાપર મૂકી તે ઘર તરફ રવાનો થઈ ગયો હતો. આ દરમિયાન તેના એક કૌટુંબીક ભાઈ સરફરાઝનો ફોન આવે છે અને કહે છે કે, 'તું હિલ ગાર્ડનમાં કોઈ યુવતી સાથે રંગરેલીયા મનાવતો ઝડપાયો હોવાનું મને જાણવા મળ્યું છે અને તારા ફોટા પણ મારી પાસે આવ્યા છે'. જેને પગલે ગભરાયેલો યુવક મહેબૂબ પૂછે છે કે. 'તને મારા ફોટા કોણે મોકલ્યા અને કોણે કહ્યું'. એટલે તે કહે છે કે મને ભુજના આપણા ઓળખીતા નેતા હમીદે ફોટા મોકલ્યા છે. તે યુવકને એમ કહીને ડરાવે છે કે, યુવતીના ઘરવાળા બહુ ખરાબ છે અને તને શોધી રહ્યા છે. જો તારી મેટર પતાવી હોય તો આપણે બંને હમીદ સમા સાથે મળી લઈએ, જેથી મામલો પતી જાય. હમીદ હકીકતમાં આવું કહીને યુવકને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો.


આ રીતે આપ્યો હનીટ્રેપની ઘટનાને અંજામ

ત્યાર પછી ભોગ બનનાર યુવક અને તેના મિત્રો હમીદ સમા પાસે જાય છે. હમીદ તેમને આ મેટર પતાવવાની બાંહેંધરી આપે છે. આ યુવક પોતાના મિત્રો સાથે આદિપુર જાય છે ત્યાં યુવતી આવે છે અને અચાનકમાં તેનો ઉભો કરેલો પતિ આવી જાય છે અને મામદ નામનો પતિ મહેબૂબને ધાક ધમકી કરી અને માર મારે છે. બાદમાં તે કહે છે કે મારી પત્ની મને નથી જોઈતી તમે તમારી સાથે લઈ જાવ. યુવતીને લઈ આરોપી નગર સેવક હમીદ સમા, સરફરાઝ અને તેના મિત્રો પરત ભુજ આવવા માટે નીકળે છે અને ત્યાં રસ્તામાં યુવતી કહે છે કે, તું મને તારા ઘરે લઈ જા. જેથી યુવક કહે છે, કે મારા ઘરે લઈ જવામાં તકલીફ ઉભી થઇ જશે. યુવકને ફસાયેલો અને ગભરાયેલો જોઈને યુવતી અને હમીદ તેને મકાન લઈ આપવાની વાત કરે છે. જેના માટે 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. છેવટે ભુજમાં પહોંચીને મામલો 19 લાખ રૂપિયામાં સેટલ કરવાનું નક્કી થાય છે.

હનીટ્રેપમાં ફસાયેલો યુવક એ જ દિવસે રાતે પોતાના ઘરેથી ત્રણ લાખ રૂપિયા લઈ આ યુવતી અને આ લોકોને આપે છે. ત્યારબાદ યુવતીને જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરે છે અને મહેબૂબને વધુ દબાણ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે યુવક બીજા પૈસા બીજા દિવસે પોતાની બુલેટ અને પ્લોટ વેચીને તેમજ ઘરેણા ફાઈનાન્સમાં ગીરવે મૂકી પાંચ દિવસમા 19 લાખ રૂપિયા ચૂકતે કરી આપે છે જેનું આ લોકો સમાધાન પત્ર પણ ઉભું કરી અને સહી કરી મેટર પુરી કરે છે.

ભૂજ પોલીસે કોંગ્રેસી નેતાની કરી ઘરપકડ

પરંતુ થોડા દિવસ બાદ ફરીથી મામદે અરજી કરી હોવાનું કહીને યુવક પાસેથી દાગીના માટે ચાર લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે. આમ કુલ ૨૨ લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે. સમગ્ર મામલો પુરો થયા પછી યુવકને તેના મિત્રએ કહ્યું કે, તારા સાથે હનીટ્રેપ થયુ છે અને તને ફસાવવામાં આવ્યો છે. એટલે મહેબૂબ તેના મિત્રને લઈને ભુજ 'એ' ડિવિઝન પોલીસમાં સ્ટેશન જાય છે. જ્યાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભૂજ પોલીસે કોગ્રેસી નેતા અબ્દુલ હમીદ સમા અને મહેબૂબના કૌટુંબિક ભાઈ સરફરાજની અટકાયત કરી છે.  

  • Follow us on: