ભુજ પાલિકા દ્વારા વર્ષ 2025-26નાં વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 44.54 કરોડની પુરાંત બતાવવામાં આવી છે. જ્યારે રૂ.1.57 અબજનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. પાલિકા દ્વારા ઉઘડતી સિલક રૂ. 62,69,27,755 દર્શવવામાં આવી છે. તેની સામે નવી સવલતો કે નવી રાહતોની જાહેરાત વિના વર્ષાંતે રૂ. 44,54,80,801 પુરાંત રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.


પાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીનાં અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસ અને પ્રાંત અધિકારી ડૉ. અનિલ જાદવની ઉપસ્થિતિમાં વર્ષ 2025-26 નાં વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં દર્શાવવામાં આવેલા ખર્ચ ઉપર નજર કરવામાં આવે તો સામાન્ય વહીવટ પેટે રૂ. 6.16 કરોડ, બાંધકામમાં રૂ. 5.66 કરોડ, ફાયર શાખામાં રૂ. 1.51 કરોડ, વોટર વર્કસ શાખામાં રૂ. 13.38 કરોડ, દીવાબત્તી શાખામાં રૂ. 2.90 કરોડ, મેલેરિયા અને કુટંબ કલ્યાણ વિભાગમાં રૂ. 36 લાખ, પરચૂરણ ખર્ચ પેટે રૂ. 4.89 કરોડ, ડ્રેનેજ નિભાવ શાખામાં રૂ. 8.91 કરોડ, દેખરેખ-સેનિટેશન-બાગ શાખામાં રૂ. 18.17 કરોડ, રેવન્યૂ ગ્રાન્ટ ખર્ચ પેટે રૂ. 2.71 કરોડ, કેપિટલ (મૂડી)માં રૂ. 2.55 કરોડ, કેપિટલ ગ્રાન્ટ ખર્ચ પેટે રૂ. 61.44 કરોડ, દેવા-જવાબદારી-અનામતો ખર્ચ પેટે રૂ. 29.04 કરોડ મળી અંદાજિત ખર્ચ રૂ, 1.57 અબજ દર્શાવવામાં આવ્યા છે.

119 જેટલા ઠરાવોને પણ બહાલી આપવામાં આવી

સામાન્ય સભામાં બજેટ સિવાય પણ અન્ય ખર્ચ પેટેનાં કુલ 119 જેટલા ઠરાવોને બહાલી આપવામાં આવી છે, જેમાં રસ્તાનાં કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, પ્રતિમા લગાડવી, કર્મચારીઓનાં પગાર, એન્જિનિયરોની મુદ્દતમાં વધારો, વાહનો પાછળ મેન્ટેનન્સ ખર્ચ, વોટર, ડ્રેનેજ સહિતનાં કામો, વંદે માતરમ્ બગીચામાં સીસીટીવી કેમેરા લગાવવા સહિત ઠરાવાનો સમાવેશ થાય છે.

શહેરમાં ઝાડી કટિંગ માટે 15 મજૂરોને 3 માસ માટે નિમાશે

ભુજમાં બાવળ અને ઝાડીનું પ્રમાણ વધુ થાય છે, તો બીજી તરફ અવારનવાર મુખ્યમંત્રી સહિતનાં મહાનુભાવો શહેરમાં પધારતાં હોઈ ઝાડી કટિંગ કરવી આવશ્યક હોવાનું ધ્યાને લઇને તેમજ આગામી દિવસોમાં જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, ઈદ જેવા તહેવારો આવનાર હોઇ શહેરને સ્વચ્છ અને બાવળિયા મુક્ત કરવા માટે ટેન્ડરની શરત ઉપરાંત અલગથી 15 મજૂરોને 3 માસ માટે ઝાડી કટિંગની કામગીરી માટે મૂકવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

શહેરનાં ગંદકી ધરાવતા વિસ્તારની સફાઇ માટે કોન્ટ્રાક્ટ અપાયો

શહેરમાં નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત વધુ ગંદકી ધરાવતાં વિસ્તારને સ્વચ્છ કરી ભવિષ્યમાં ત્યાં ગંદકી ન થાય તે માટે ઇન્ટરલોક, વૃક્ષારોપણ, વોલ પેઇન્ટિંગ, બાંકડાઓ લગાડવા, લોક જાગૃતિ જેવા કામો માટેની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં જે કુલ બે ખાનગી પાર્ટીએ રસ દાખવ્યો હતો. તેમાંથી ઓછા ભાવો ભરનારને કોન્ટ્રાક્ટ આપવામાં આવતાં તેને સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી.

પાલિકાએ હોર્ડિંગ્સ માટે રૂ. 1,17,89,555 માં કોન્ટ્રાક્ટ આપ્યો

ભુજમાં દર ત્રણ વર્ષે શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ બોર્ડ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ વખતે બે પાર્ટીઓ રસ દાખવ્યો હતો, જેમાં સૌથી વધુ ભાવ ભરનાર પાર્ટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેને કારણે પાલિકાને રૂ. ૧,૧૭,૮૯,૫૫૫ની વધારાની આવક થવા પામી છે. ત્યારે કોન્ટ્રાક્ટ આપવાનાં ઠરાવ ઉપર પણ સામાન્ય સભામાં મંજૂરીની મહોર મારવામાં આવી છે.

શહેરની સફાઇ પાછળ માસિક રૂ. 9.90 લાખનો ખર્ચ વધ્યો

પાલિકા દ્વારા શહેરમાં વ્યવસ્થિત સફાઇ થાય તે માટે ચાર ઝોનમાં સફાઇનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેમાં ડોર ટુ ડોર કલેક્શન, ઓપન સ્પોટ લિફ્ટિંગ, કન્ટેનર લિફ્ટિંગ અને સંપૂર્ણ સફાઇ, જાહેર માર્ગો તેમજ ટૂરિસ્ટ પ્લેસોની સફાઇ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાનગી કોન્ટ્રાક્ટરને અત્યાર સુધીમાં પાલિકા દ્વારા માસિક રૂ. 63.17 લાખ ચૂકવવામાં આવતા હતા, પરંતુ પાલિકાએ આ રકમમાં રૂ. 9.90 લાખ જેટલો વધારો કરી આપ્યો છે, પરિણામે પાલિકાને હવે દર મહિને શહેરની સફાઇ પાછળ રૂ. 73.07 લાખ ચૂકવવા પડશે.

ભુજનાં મહાનગરપાલિકાનાં દરજ્જા માટે વધુ એકવાર ઠરાવ

સામાન્ય સભામાં વિપક્ષીનેતા કાસમ સમાએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમાં બે માસ નર્મદાનાં પાણીની કેનાલ બંધ રહે તો પાલિકા દ્વારા પાણીની વૈકલ્પિક વ્યવસ્થા શું કરાઈ, સાંસદ, ધારાસભ્ય સહિતનાં ચૂટાયેલા પ્રતિનિધિઓ ભાજપનાં હોવા છતાં હજુ સુધી ભુજ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં. પાલિકાએ વધુ એકવાર ઠરાવ કર્યો પરંતુ ઉપર કોઇનું ઉપજતું નથી. ડ્રેનેજ લાઇન ઉભરાતી રહે છે. ત્રણ માસને બદલે સાત માસે સામાન્ય સભા બોલાવીને ત્રિમાસિક હિસાબો રજૂ કરાયા, ગટરનાં પાણીની ચોરીને કારણે વારંવાર લાઇનો બેસી જવી, સરકારી જમીનો ઉપર દબાણોમાં વધારો, વરસાદી પાણીનાં નિકાલ ઉપર પણ દબાણો ખડકાયા છતાં પાલિકાનાં પેટનું પાણી હલતું નહીં હોવા સહિતનાં આક્ષેપો કર્યા હતા. વિપક્ષનાં પ્રશ્નોના મારા વચ્ચે જ સત્તાધીશોએ સામાન્ય સભા પૂર્ણ જાહેર કરીને રાબેતા મુબજ ચાલતી પકડી હતી.



  • Follow us on: