ગીર સોમનાથમાં ભૂમાફિયાઓ પર કલેક્ટરે કડક કાર્યવાહી કરી છે. કલેક્ટરે વધુ 3 ભૂમાફિયાઓને પકડીને તગડો દંડ ફટકાર્યો છે. ઉના અને કોડીનારના 3 ભૂમાફિયાને કલેક્ટર દ્વારા 20.48 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 4,06,571 મેટ્રિક ટન બિલ્ડીંગ લાઈમસ્ટોનની ખનીજચોરીનો પર્દાફાશ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે.


કોડીનારના ઘાટવડમાં મહેન્દ્રસિંહ મકવાણાએ કરી ખનીજ ચોરી

તમને જણાવી દઈએ કે કોડીનારના ઘાટવડ ગામે મહેન્દ્રસિંહ મકવાણાએ મંજૂરી વગર રેતી ખનન કર્યું હતું અને ઉનાના પણ 2 લિઝ ધારકોએ મંજૂરી વગર જ આ વિસ્તારમાં ખનીજ ચોરી કરી હતી. ત્યારે તંત્રને મૂર્ખ બનાવવા માટે ખનીજ ચોરી વાળી જગ્યામાં આ ભૂમાફિયાઓએ પુરાણ કરી દીધું હતું. જો કે જિલ્લા કલેકટરની સઘન તપાસમાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે 4 ભુમાફિયાઓને 75.23 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે કલેક્ટરની કડક કાર્યવાહી બાદ જિલ્લાના અન્ય ભુમાફિયાઓ પણ હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ભારે ફફડાટ ફેલાયેલો છે.

થોડા દિવસ પહેલા જ બોટાદના બરવાળામાં ખનીજ ચોરી ઝડપાઈ હતી

થોડા દિવસ પહેલા જ બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.જીન્સી રોય અને બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતના માર્ગદર્શન અન્વયે બોટાદ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ કરવા અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અન્વયે બરવાળા પ્રાંત અધિકારી અને સબ ડીવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.વી.ચૌધરી દ્વારા સુચના મુજબ બરવાળા સબ ડીવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને ખનીજની બિનઅધિકૃત વહનની પ્રવૃતિ ન થાય તે હેતુથી મામલતદાર બરવાળાના સ્ટાફની ટીમ બનાવી બરવાળા તાલુકામાંથી સરપ્રાઇઝ ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.


  • Follow us on: