ગઇ કાલે 22 માર્ચનાં સમગ્ર દેશમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમ તો આ ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ પાણી બચાવવા માટે કોઇ નક્કર આયોજનો થાય તે જરૂરી છે. તેમાંય ભુજ શહેર તો હાલે નર્મદાના પાણી ઉપર આધારિત થઇ ગયું છે. ત્યારે સ્વાભાવિકપણે જ થોડો સમય પણ નર્મદાનાં પાણીમાં બ્રેક પડે ત્યારે શહેરીજનોને પાણી મેળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેની અનુભૂતી ગત વર્ષે જ સૌ કોઇને થઇ ગઇ હતી. માત્ર કચ્છ જ નહીં હાલે તો સમગ્ર ગુજરાતમાં લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે જોતાં હવે વરસાદી પાણીનો સંગ્રહ અથવા વરસાદી પાણીને જમીનમાં ઉતારીને પાણીના સ્તર ઉંચા લાવવાનો સમય આવી ગયો છે. આ માટે ગંભીરતાથી સૌ કોઇએ વિચારવંુ જોઇએ.
વરસાદી પાણીનાં સંગ્રહ માટે ભુજ તાલુકાનું સુખપર ગામ લોકોને પ્રેરણા આપી રહ્યું છે. અહીં વરસાદી પાણીને સારા એવા પ્રમાણમાં સંગ્રહિત કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, સ્થાનિક લોકો સમગ્ર વર્ષ દરમ્યાન વરસાદી પાણીનો જ પીવાનાં પાણી તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જેના પરિણામે સુખપર ગામમાં દૂર દૂર સુધી પીવાનાં પાણી માટે કોઈ સમસ્યા ક્યારેય જોવા મળતી નથી.
પૂર્વ ઉપસરપંચ મનજી ગોરસિયાનાં જણાવ્યાનુસાર ગ્લોબલ વોર્િંમગના કારણે સમગ્ર દુનિયાનાં વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, જેના કારણે અનિયમિત અને અપૂરતા વરસાદ કારણે વિશ્વમાં પાણીની વિકટ સમસ્યા બની રહી છે. તેવામાં સુખપરવાસીઓએ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ શોધી લીધો છે. આ ગામમાં ચોમાસાં દરમિયાન તમામ લોકો દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આ પાણી પીવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જેના કારણે ગામમાં ક્યારે પણ પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાતી નથી.
વરસાદી પાણીનો પીવા તેમજ રસોઈ બનાવવા માટે ઉપયોગ
સ્થાનિક ગ્રામજનો પૈકી ઋષિ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, પીવાના પાણી માટેનો કાયમી ઉકેલ ગ્રામજનોએ શોધી લીધો છે. સુખપર ગામમાં ઘરે ઘરે અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકા બનાવામાં આવ્યા છે. જેમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણીનો ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે. આ વરસાદી પાણીનો ગ્રામજનો વર્ષ દરમિયાન પીવા તેમજ રસોઈ માટે ઉપયોગ કરી રહ્યા છે. ગામમાં તમામ મકાન તેમજ સ્કૂલ, સમાજવાડી, મંદિર સહિતની ઈમારતમાં પણ વરસાદી પાણીનાં સંગ્રહ માટે અન્ડર ગ્રાઉન્ડ ટાંકા તૈયાર કરવામાં આવ્યા છે.
ઘરે ઘરે ૧૦ હજારથી ૨૫ હજાર લીટરનાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકા
ગ્રામજન હિરજી ગોરસિયાએ જણાવ્યું હતું કે, સુખપર ગામમાં પાણીની મુશ્કેલીનો સામનો લોકોને કરવો ન પડે તે માટે જ્યારે પોતાનાં મકાનનું નિર્માણ કરવામાં આવે છે તે સમયે જ પાયામાં જ પાણીનાં મોટા મોટા ટાંકા બનાવી દેવામાં આવે છે. જેના પરિણામે હાલે ઘરે ઘરે ૧૦ હજાર લીટરથી લઈને ૨૫ હજાર લીટરની ક્ષમતા ધરાવતા અન્ડર ગ્રાઉન્ડ પાણીનાં ટાંકા મોજુદ છે. જેમાં દર વર્ષે વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આ વરસાદી પાણીનો ઉપયોગ પીવા માટે તેમજ રસોઈ બનાવવા માટે લોકો કરી રહ્યા છે.