- અમદાવાદમાં પોલીસકર્મીનો આપઘાત
- પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું
- પોલીસકર્મી જીતેન્દ્ર વાજાએ કર્યો આપઘાત
દિવસેને દિવસે પોલીસકર્મીના આપઘાતના બનાવો વધતા જાય છે,ત્યારે અમદાવાદ પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતેન્દ્ર વાજાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરતા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે,આજે સ્વાતંત્રતા પર્વના દિવસે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્રારા મૃતક પોલીસ કોન્સ્ટેબલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આપઘાત પાછળનું કારણ અકબંધ
અમદાવાદની નવી પોલીસ કમિશનર ખાતે ગાર્ડમાં ફરજ બજાવતા જીતેન્દ્ર કુમાર રણજીતભાઇ વાજાએ અગમ્ય કારણોસર રિવોલ્વર વડે આપઘાત કરતા પોલીસબેડામાં તેમજ પરિવારમા શોકનો માહોલ છવાયો હતો,પોલીસકર્મીએ કેમ આપઘાત કર્યો તેનું કારણ સામે આવ્યું નથી,બીજી તરફ પોલીસકર્મી પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી.હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.મહત્વની વાત તો એ છે કે,સૂત્રો તરફથી મળતી માહિતી મૂજબ વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયા છે એટલે પોલીસે પણ એ દિશામાં તપાસ શરૂ કરી છે.
03-05-2024ના રોજ ભરૂચમાં પણ પોલીસકર્મીએ કર્યો આપઘાત
ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાના હથિયારની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો,કેમ આપઘાત કર્યો તેને લઈ હજી કારણ અકબંધ છે,તો પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
29 ફેબ્રુઆરી 2024 મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
અમદાવાદમાં 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.તો પોલીસે તેના પ્રેમી સામે પણ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો,તો બીજી તરફ પ્રેમીને પણ લાગી આવતા તેણે પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.
18 માર્ચ 2024 મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
સુરતમાં એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી,મહિલા કોન્સ્ટેબલે કે જેઓ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા અને અચાનક આપઘાત કરી લેતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી,ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.તો પોલીસને મૃતક મહિલા પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી.