અમદાવાદમાં મનપાના પ્લોટ કમાણીના આવકનો સ્ત્રોત બન્યા. ગોતામાં આવેલા મનપાના પ્લોટને એક્ઝિબિશનના હેતુથી મેળવી અન્યોને ભાડે આપી ધીકતી કમાણી કરાતી હોવાના કારસ્તાનનો ઘટસ્ફોટ થયો. સમગ્ર કૌભાંડમાં મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીઓની પણ મીલીભગત હોવાની આશંકા છે. મનપાના પ્લોટ ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
મનપા પ્લોટનું ભાડે આપવાનું કૌભાંડ
શહેરમાં ગોતા વિસ્તાર આવેલ મનપાના ખુલ્લા પ્લોટનો સરકારના વિવિધ કામો માટે તેમજ એક્ઝિબિશન માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ પ્લોટના ઉપયોગ કરવા માટે મનપા દ્વારા નિશ્ચિત રકમ મુજબ ભાડુ લેવામાં આવે છે. હાલમાં આ પ્લોટ ધીકતી કમાણીનો રસ્તો બન્યો છે. ભાજપના કાર્યકરો દ્વારા મનપાનો આ પ્લોટ મેળવીને કૌભાંડ કરાયું છે. આ કાંડની વિગતે વાત કરીએ તો ભાજપના કાર્યકરની ઓળખાણથી એક શખ્સએ ગૃહ ઉદ્યોગના નામે પ્લોટ ભાડે લીધો હતો. મનપાએ ઠરાવ કરતા નક્કી કર્યા મુજબ આ પ્લોટ ભાડે આપવામાં આવ્યો.જેનું ભાડું પ્રતિ દિન 1 હજાર નક્કી કરવામાં આવ્યું હતું. ગૃહઉદ્યોના નામે ભાડાપેટે લીધેલ પ્લોટને આ શખ્સે ત્રીજી પાર્ટીને પેટા ભાડે આપી ભાડા પેટે વધુ રકમ મેળવી.
અધિકારીઓની મિલીભગતની આશંકા
આમ, જોઈએ તો ગોતાના મનપાના પ્લોટમાં બાઈ-બાઈ ચાયણી જેવો ઘાટ જોવા મળ્યો. ગોતાના મનપામાં ગૃહઉદ્યોગના નામે પ્લોટ ભાડે લેવામાં ઠગાઈ કરવામાં આવી. એટલે કે ભાજપના કાર્યકરની ઓળખાણથી ભાડે લઈ વધુ કમાણી કરવા અન્ય એક ત્રીજી વ્યક્તિને જ પ્લોટ ભાડે આપી દેવાયો. આ સમગ્ર પ્લોટ કૌભાંડમાં એસ્ટેટ અધિકારીઓ અને ભાજપના કાર્યકરો વચ્ચે સાંઠગાંઠ હોવાની આશંકા છે. પ્લોટ ભાડે લઈ પેટા ભાડે આપવાનું કૌભાંડ મામલે હવે અગાઉના સોદાઓની પણ તપાસ થશે. ભૂતકાળમાં પણ આવા કિસ્સા બન્યા છે કે કેમ તેવી તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી શકે. હાલમાં ગૃહ મંડળીને અપાયેલા બન્ને પ્લોટ રદ કરવા તાકીદ કરાઈ.