અમદાવાદમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી. શહેરમાં હત્યા અને આત્મહત્યાના બનાવે સનસનાટી મચાવી દીધી છે. નરોડાના યુવકે જાહેરમાં પોતાની પ્રેમિકાને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. યુવકે પ્રેમિકાની હત્યા બાદ આજે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું. પોલીસે યુવક અને યુવતી બંને મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રેમ સંબંધ બન્યો ઘાતકી
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ નરોડા વિસ્તારમાં આવેલા મુસ્લિમ મહોલ્લામાં યુવકે યુવતી ને છરી ના ઘા મારી હત્યા નિપજાવી હતી. સોનુ ક્રિશ્ચિયન નામની યુવતીનું તેના જ મહોલ્લામા રહેતો ઈસાદ ઉર્ફે ગુડ્ડુ એ છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. મહત્વનું છે કે, મૃતક અને આરોપી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. પરંતુ થોડા સમયથી મૃતક સોનુંએ આરોપી સાથેનો પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. અને તેથી જ આરોપીએ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી બોલાચાલી કરી. યુવતી સંમત ના થતા આખરે તેની હત્યાને અંજામ આપી યુવક નરોડા વિસ્તારમાંથી ભાગી છુટ્યો હતો.
પ્રેમની તકરાર હત્યા અને આત્મહત્યામાં પરિણમી
નારાજ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આરોપી યુવક ઈસાદ ઉર્ફે ગુડ્ડુ રામોલ વિસ્તારમાં તેના મિત્રના ઘરે ગયો હતો. અને પોલીસ ગમે ત્યારે તેની ધરપકડ કરશે તેવી આશંકા રામોલના આવાસમાં છૂપાયેલ યુવાન ઇસાદે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની હકીકત સામે આવી છે. હત્યા અને આત્મહત્યાની ઘટનાની તપાસ કરતાં પોલીસની સામે આવ્યું કે નરોડાના મુસ્લિમ મહોલ્લોમાં ઈસાદ ઉર્ફે ગુડુ અને સોનુ નામની યુવતી બન્ને આમને સામને રહે છે. છેલ્લા ઘણા સમયથી બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ તેમના વચ્ચે કેટલાક દિવસોથી તકરાર ચાલી રહી હતી. બીજી તરફ બુધવારે સાંજના 4.30 વાગ્યાની આસપાસ ઇસાદ સોનુના ઘરે ગયો હતો. ત્યારે સોનુ એકલી હતી તે સમયે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન ઇસાદ ઉશ્કેરાયો અને છરી વડે સોનુની હત્યા કરી હતી. મહત્વનું છે કે મૃતક સોનું તેની માતા સાથે રહે છે અને તે મુસ્લિમ સંપ્રદાય પાળી રહ્યા છે. જોકે તેના પિતા ક્રિશ્ચિયન હોવાનુ પણ સામે આવ્યુ છે.
નરોડામાં થયેલી હત્યા અને રામોલમાં થયેલી આત્મહત્યાના કેસના મૂળ સુધી પહોંચવા પોલીસે મૃતક અને આરોપીના ફોન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ હત્યા માટે પ્રેમ સંબંધ જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.