શહેરમાં બેભાન થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. જેમાં ક્રિકેટ મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવતા જહાંગીરપુરાના ૨૫ વર્ષીય પીટી શિક્ષકનું છાતીમાં બોલ વાગ્યા બાદ બેભાન થતાં મોત થયું હતું. જયારે લિંબાયતના માજી કોર્પોરેટર અક્રમ અન્સારીના ૨૮ વર્ષીય પુત્ર અને પાંડેસરામાં મેટ્રોની કામગીરી કરતાં ૨૭વર્ષીય શ્રમજીવી યુવકનું બેભાન થયા બાદ મોત થયું હતું.
સુરતી ખાનગી શાળામાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા
જહાંગીરપુરામાં આવેલ રાજગીરી એપાર્ટમેન્ટમાં રહેતા ૨૫ વર્ષીય પાર્થ રાજેશભાઈ સુરતી ખાનગી શાળામાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમને અન્ય એક ભાઈ છે. તેમના પિતા હાલ નિવૃત્ત જીવન ગાળે છે. રવિવારની રજા હોવાથી સવારે પાર્થ સાથી મિત્રો સાથે આઉટર રિંગરોડ ખાતે આવેલા વી. બી. દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચ રમવા માટે ગયા હતા. અમ્પાયરની ભૂમિકા વખતે તેમને છાતીમાં બોલ વાગ્યો હતો, જેના કારણે તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પાર્થનું હાર્ટએટેકથી મોત થયું હોવાની શક્યતા છે.
નાની ઉંમરના લોકોનું હાર્ટ એટેકના કારણે મોત થાય છે
બીજા બનાવમાં લિંબાયતના ઓમનગરમાં રહેતો ૨૮ વર્ષીય હુમાયુ અક્રમ અંસારી છૂટક કામ કરતો હતો. તેના પિતા અક્રમ અંસારી અગાઉ સુરત મનપામાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. હુમાયુના છૂટાછેડા થઈ ગયા હોય તેની પૂર્વ પત્ની અને બાળકો ઉન પાટિયા ખાતે આવેલી હલીમાં સોસાયટીમાં રહે છે. જેથી શનિવારે રાત્રે હુમાયુ પૂર્વ પત્ની અને બાળકોને મળવા માટે ઉન પાટિયા ખાતે હલીમા સોસાયટીમાં ગયો હતો. જ્યાં તેની તબિયત લથડી હતી. ઊલટી થતાં તેને રિક્ષામાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
હુમાયુનું પણ હાર્ટએટેકથી મોત થયું હોવાની શક્યતા છે
ત્રીજા બનાવમાં મૂળ યુપીના ગાજીપુરનો વતની ૨૭ વર્ષીય અખિલેશ કાલીચરણ કુમાર હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી ચીકુવાડી ખાતે પરિવાર સાથે રહેતો હતો, તેને અન્ય બે ભાઈ છે, અને તે મેટ્રો પ્રોજેક્ટ હેઠળ મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. શનિવારે બપોરે અખિલેશ ખજોદ ખાતે ડ્રીમ સિટી મેટ્રોના ડેપોમાં બેઠો હતો. દરમિયાન અચાનક ઢળી પડયો હતો. બાદમાં તેને બેભાન હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.