સુરતમાં ઓનલાઈન બિઝનેસ કરતા વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને વેપારીએ આપઘાત પહેલા લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં આ વેપારીએ પૂર્વ પત્ની અને મિત્રોએ આપઘાત કરવા મજબૂર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસને મૃતક વેપારીના વાહનની ડેકીમાંથી આ સ્યુસાઈડ નોટ મળી આવી છે. ઉતરાણ પોલીસે પૂર્વ પત્ની અને 11 મિત્રો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પૂર્વ પત્નીએ દગો કર્યો હોવાનો આક્ષેપ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં ઓનલાઈન બિઝનેસ કરતા વેપારીને તેની પૂર્વ પત્ની અને મિત્રોએ માર મારતાં આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વેપારીએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે, તેની પૂર્વ પત્ની શિતલ અને 11 મિત્રોએ તેને માર મારીને આપઘાત કરવા મજબૂર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતકે વીડિયો અને સ્યુસાઈડ નોટમાં પૂર્વ પત્નીએ દગો આપ્યાની પણ વાત કરી છે.
મૃતકના ફોનમાંથી ત્રણ વીડિયો મળ્યા
વેપારીએ મોટા વરાછા સ્થિત દુખિયાના દરબાર રોડ પાસે દવા પીધી હતી. મૃતકે સ્યુસાઈડ નોટમાં એવુ પણ લખ્યું હતું કે, મેં એને એક મોકો આપ્યો અને એણે મારી ગેમ કરી નાંખી છે. મારા મરવા પાછળ ઘણા બધા લોકો જવાબદાર છે. આ ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન મૃતકના વાહનમાંથી પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જ્યારે તેના ફોનમાંથી ત્રણ વીડિયો મળ્યા હતાં. ઉતરાણ પોલીસે પૂર્વ પત્ની સહિત 11 મિત્રો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.