- રિવરફ્રન્ટના પ્લોટની બેઝ પ્રાઇઝ માટે કમિટીની રચાના
- સેંકડો ચોરસ મીટર જમીન વેચાણ માટે પોલિસી નક્કી કરાઈ
- પૂર્વ પશ્ચિમ કિનારાની જમીન માટે પોલિસી નક્કી કરાઈ
અમદાવાદ રિવરફ્રન્ટ પર આગામી સમયમાં નવી ગગનચુંબી ઇમરાતો બને અને સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર ભવ્ય ઈમારતો જોવા મળી શકે છે. આ માટે સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં પ્રોજેક્ટ હસ્તકની જમીન વેચાણ અંગે નીતિ નક્કી કરવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની મળેલી બેઠકમાં સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારના હેઠળ મુખ્યત્વે વલ્લભસદનથી એન.આઈ.ડી.સુધીના વિસ્તારમાં આવેલા પ્લોટોની બેઝ પ્રાઈસ નકકી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના માટે યોગ્ય પોલીસી બનાવી મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં અને ત્યારબાદ રાજય સરકારની મંજુરી મળ્યા બાદ તેની હરાજી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં આ અંગે એક કમિટીની રચના કરવામાં આવી છે.
બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી
કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત એસ્ટેટ ઓફિસર તથા પ્લોટ સંદર્ભના તજજ્ઞાોનો સમાવેશ કરવામાં આવ્યો છે.સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેઠકમાં પચાસથી વધુ પાનાની નવી પોલીસી પણ જાહેર કરવામાં આવી હોવાની પણ વાતો સામે આવી છે. આ અગાઉ વર્ષ-2016 માં સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટોની બેઝ પ્રાઈસ નકકી કરવામાં આવી હતી. આ માટે દેશ વિદેશના મોટા ડેવલપર રસ દાખવે એવી પુરી શક્યતા જોવામાં આવી રહી છે.
ફેઝ-1 અને ફેઝ-2 ની કામગીરી ચાલુ
આ માટે સાબરમતી રિવરફ્રન્ટના સેંકડો ચોરસ મીટર જમીન વેચાણ માટે પોલિસી નક્કી કરવામાં આવી છે. જેમાં પૂર્વ પશ્ચિમ કિનારાની જમીન માટે પોલિસી નક્કી કરવામાં આવી છે. આ માટે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-1માં અને ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા ફેઝ-2ની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ધરાઈ હતી. જેમાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પૂર્વ કિનારે ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધીના 1.25 કિમીની લંબાઈમાં રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટેનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું હતું.
કુલ 11 કિમીના પ્રોજ્કેટ ડેવલપ કરાશે
એટલું જ નહીં સાબરમતી રિવરક્રન્ટ પ્રોજેક્ટ(ફેઝ-2) અંર્તગત નદીની બન્ને બાજુ ડફનાળાથી ઈન્દિરાબ્રીજ સુધીના એવરેજ 5.50 કિ.મી.ની નદીની લંબાઇમાં (બન્ને બાજુ ઉપર કુલ 11 કિ.મી.) ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. જેમાં સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટની ડિઝાઇન કરી મહત્તમ વૃક્ષો ઉગાડી એક્ટિવ તથા ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવેલું છે. ફેઝ-2 બનવાની સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટેરા સ્ટેડિયમ તેમજ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને પણ કનેક્ટિવિટી સાથે વિકસાવાશે.