બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા 43.50 લાખની છેતરપિંડીના કેસમાં છેલ્લા 9 માસથી ફરાર મુખ્ય મહિલા આરોપીને SOG પોલીસે અમદાવાદથી ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ જિલ્લાના 8 લોકો તેમજ રાજકોટ જિલ્લાના 8 મળી કુલ 16 લોકોને શિલ્પાબેને નોકરીની લાલચ આપી હતી અને રૂપિયાની માગણી કરી હતી.
નોકરી ના મળતા સમગ્ર ભાંડો ફૂટ્યો
જેથી ભોગ બનનાર તમામ લોકોએ અલગ અલગ રીતે 43.50 લાખ રૂપિયા શિલ્પાબેનને આપેલા પરંતુ તમામ ભોગ બનનાર નોકરી ઈચ્છુકોને મેરીટમાં નામ ન આવેલ અને નોકરી ન મળતા તેઓએ શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરેલી પરંતુ શિલ્પાબેને રૂપિયા પરત ન કરતા આખરે ગત તારીખ 22 જુલાઈ 2024ના રોજ બોટાદ પોલીસમાં શિલ્પાબેન દવે, ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ વિરૂદ્ધ રૂપિયા 43.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી નામના શખ્સની ધરપકડ કરેલી, જ્યારે શિલ્પાબેન દવે અને જગદીશભાઈ ફરાર થયા હતા.
16 લોકો સાથે છેતરપિંડી આચરી હતી
બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને 43.50 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય માસ્ટર માઈન્ડ શિલ્પાબેન દવે હતા. જે છેલ્લા 9 માસથી ફરાર હતા, જ્યારે બોટાદ એસઓજી પીઆઈ એમ.એ.જાડેજાને મળેલી બાતમીના આધારે એસઓજી પીઆઈ અને તેમની ટીમ અમદાવાદ પહોંચ્યા હતા અને શિલ્પા દવેને અમદાવાદથી ઝડપી લીધી હતી અને વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. જ્યારે આ કેસમાં જગદીશભાઈ નામનો આરોપી ફરાર છે. બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય મહિલા આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. શિલ્પા દવેએ અરવલ્લી જિલ્લામાં વિદેશ મોકલવાની લાલચ આપીને 29 લાખની છેતરપિંડી કરી હતી, જે અંગે મોડાસા પોલીસમાં ગુનો નોંધાયેલો છે.