ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં એક આરોપીએ ધમાલ મચાવી હતી. સેશન્સ કોર્ટમાં આરોપીએ જજની ચેમ્બરના દરવાજાને લાતો મારી ઉત્પાત મચાવ્યો હતો. આરોપીની હરકતથી જજ ક્રોધિત થયા અને બેફામ બનેલા આરોપીને પકડવા પોલીસને બોલાવી. પોલીસ કોર્ટમાં દોઢ કલાક મોડી પંહોચતા જજ પોલીસ પર ગુસ્સે થયા. દરમિયાન વકીલોએ મામલો થાળે પાડતા પોલીસે સ્થળ પર પંહોચી પંચનામું કર્યું.


કોર્ટમાં આરોપીનું દંગલ

આજે ભાવનગર કોર્ટમાં વિચિત્ર બનાવ બન્યો. કોર્ટમાં જ્યાં કેસની સુનાવણી કરી આરોપીઓને સજા ફટકારવામાં આવે છે. ત્યાં આજે આરોપીએ દંગલ મચાવતા જ વકીલો સહીત જજ પણ ક્રોધે ભરાયા હતા. કિશોર ઉર્ફે ઋત્વિક ગોહિલ નામના આરોપીએ મુખ્ય કોર્ટ પરિસરમાં પ્રવેશીને નશાકારક કેફી પીણું પીધું બાદમાં જજ સાહેબની ચેમ્બરના દરવાજા ઉપર અનઅધિકૃત પ્રવેશવાની કોશિશ કરી અને દરવાજાને લાતો મારવા લાગ્યો. આરોપીએ ઉત્પાત મચાવતા લોકોએ તેને રોકવા પ્રયાસ કર્યો. પરંતુ આરોપી નશામાં ધૂત હોવાથી કોઈના નિયંત્રણમાં ના આવ્યો અને વધુને વધુ હોબાળો મચાવવા લાગ્યો. નશામાં ધૂર આરોપી વધુ કોઈ મોટો કાંડ કરે તે પહેલા જ કોર્ટ તરફથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસ મોડી આવતા જજનો મિજાજ ગયો

સેશનસ કોર્ટના જજ દ્વારા એસ.પી અને ડીવાયએસપીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. જોકે અન્ય કામગીરીમાં વ્યસ્ત પોલીસના અધિકારી પણ બનાવના દોઢ કલાક બાદ પહોંચતા જજનો મિજાજ ગયો અને પોલીસને ખખડાવ્યા. પોલીસના અધિકારીઓને કહ્યું કે તમારાથી કોર્ટની સુરક્ષા ન થઈ શકે તો જ્યુડિશિયલી ઉપર છોડી દો. હાલ કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં વકીલો અને પોલીસબના કર્મચારીઓ પહોંચ્યા અને સ્થળ ઉપર પંચનામું કરવામાં આવ્યું. દંગલ મચાવનાર આરોપીની એક જ માંગ હતી કે તેમનું વોરંટ કેન્સલ કરવામાં આવે અને મુદ્દત આપવામાં આવે તેવું કહી ધમપછાડા કરવામાં આવ્યા હતા.

  • Follow us on: