- 13 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
- મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી ઘટાડો થતા દિવસે પણ ઠંડક
- અમદાવાદ અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી
રાજ્યમાં કમોસમી વરસાદ વરસી ગયા બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો છે. જેમાં ઘણાં શહેરોમાં ઠંડીની અસર શરૂ થઈ છે. આ વચ્ચે રાજ્યના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું પહોંચ્યું છે. તો 13 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
શિયાળાની શરૂઆત પણ કડકડતી થઈ છે. જેમાં રાજ્યના ઘણાં શહેરોના મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી ઘટાડો થતા દિવસે પણ ઠંડક અનુભવવા લાગી રહી છે. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં 25 ડિગ્રી પર પહોંચ્યું છે. તો અમદાવાદ અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી પર પહોંચ્યું છે.
આ ઉપરાંત ભુજ 15 ડિગ્રી, કંડલા 16 ડિગ્રી, અમરેલી 17 ડિગ્રી પર તો પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી પર પહોંચ્યું છે. ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પર પહોંચ્યું છે. તેમજ આગામી 3-4 દિવસ બાદ તાપમાનનો પારો વધારે ગગડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની શું રહેશે સ્થિતિ
જ્યારે રાજ્યમાં છેલ્લા થોડાં દિવસથી વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી જોવામાં આવી રહી છે. પરંતુ હવામાન વિભાગે હજી પણ કેટલાંક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલ તો ચોમાસા જેવા માહોલ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની સિસ્ટમ સક્રીય નથી. જેથી ભારે વરસાદની રાજ્યમાં કોઇ સંભાવના નથી.