આજના સમયમાં જ્યારે પર્યાવરણીય સંરક્ષણની જરૂરિયાત પહેલાં કરતાં વધારે જણાય રહી છે, ત્યારે આપણો જૈવિક કચરો પણ મૂલ્યવાન સંસાધન બની શકે છે. જો આપણે ઇચ્છીએ તો આ કચરામાંથી આપણે આપણાં ઘરે સારી ગુણવત્તાનું કુદરતી ખાતર બનાવી શકીએ છીએ, જે ખૂબ ફાયદાકારક હોય છે.
અત્યંત તૈલી પદાર્થો વગેરે વસ્તુઓના ઉપયોગથી ખાતરમાં દુર્ગંધ આવે છે
કુદરતી ખાતરના ફાયદાઓ જોઈએ તો તે જમીનની ફળદ્રુપતા વધારે છે. તેનાથી કચરાનો યોગ્ય ઉપયોગ થાય છે અને સ્વચ્છતા જાળવાઈ રહે છે. તે રાસાયણિક ખાતરોની જરૂરિયાતને ઓછી કરે છે, અને કુદરતી ખાતરથી પર્યાવરણને નુકસાન થતું નથી સાથે સાથે લોકોનાં સ્વાસ્થ્યને પણ કુદરતી ખાતર હાનિ પહોંચડતું નથી. તે છોડને વધુ તંદુરસ્ત અને લીલાં બનાવે છે. ઘરે રસોડાના કચરામાંથી જાતે કુદરતી ખાતર બનાવવા માટે તમારે માત્ર ઓર્ગેનિક (બાયોડિગ્રેડેબલ) કચરાની જરૂર પડે છે, જેમાં શાકભાજી અને ફળોની છાલ ચાના પાન, વાસી ખોરાક, સૂકા પાંદડા, ઘાસ, ફૂલો, કોફી, કાગળ વગેરેને તમે કુદરતી ખાતર બનાવવા માટે વાપરી શકો છો, પણ ધ્યાન રાખો કે તેમાં પ્લાસ્ટિક, કાચ, ધાતુ, દૂધના પેકેટ કે અન્ય કોઈ રાસાયણિક કચરા સાથે ન ભળી જાય સાથે સાથે ડેરી પેદાશો, તેલ અથવા અત્યંત તૈલી પદાર્થો વગેરે વસ્તુઓના ઉપયોગથી ખાતરમાં દુર્ગંધ આવી શકે છે.
નાઇટ્રોજનયુક્ત લીલા કચરાને નાખો અને તેનાં પર કાર્બનયુક્ત કચરો નાખો
કુદરતી ખાતર બનાવવા માટે સૌ પ્રથમ, કેળાની છાલ, વધેલાં શાકભાજી વગેરે જેવી નાઇટ્રોજનયુક્ત લીલી વસ્તુઓને અલગ રાખો - પછી કાર્બનયુક્ત સૂકા પદાર્થો જેવાં કે સૂકા પાંદડા, કાગળ, પૂંઠા વગેરેને અલગ કરો. ધ્યાનમાં રાખો કે તેમાં ભેજ અને ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે.જો તમે કન્ટેનરમાં કમ્પોસ્ટ બનાવતાં હોવ તો તેમાં ચારથી પાંચ નાના નાના છિદ્રો બનાવો જેથી ઓક્સિજનનો પ્રવાહ રહે. હવે પહેલા પાત્ર અથવા ખાડામાં નાઇટ્રોજનયુક્ત લીલા કચરાને નાખો અને તેનાં પર કાર્બનયુક્ત કચરો નાખો.
તમારા પાકને કુદરતી પોષણ પ્રદાન કરે છે
આ પાત્ર અથવા ખાડામાં ભેજ અને ગરમી જાળવી રાખવા માટે, તેને ઉપરથી માટીથી ઢાંકી દો. રસોડાના કચરામાંથી ખાતર બનતાં ઓછામાં ઓછા 3 અઠવાડિયાથી 3 મહિનાનો સમય લાગી શકે છે. 2 થી 3 મહિના બાદ કચરો વિઘટિત થઈને માટીનું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે. તમે આ ખાતરને માટી સાથે ભેળવી શકો છો અને તેનો સીધો જ તેનો ઉપયોગ કરી શકો છો. તે તમારા છોડને પોષક તત્વો પ્રદાન કરે છે અને તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ રીતે ઘરે કુદરતી ખાતર તૈયાર કરવું સરળ તો છે જ, સાથે સાથે તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. અને તમારા પાકને કુદરતી પોષણ પ્રદાન કરે છે.













