જળસંચય અભિયાનને આગળ ધપાવવા રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી અનેકવિધ નવતર પગલાંઓ હાથ ધર્યાં છે. પાણીની અછતવાળા વિસ્તારોમાં ખેડૂતો માટે 'ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાની યોજના' આશીર્વાદરૂપ બની છે.પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવી જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાક બચાવવામાં તેમજ રવિ સિંચાઈમાં પાણીને ઉપયોગ કરી શકાય. આમ, ખેત તલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતોના પાકને પૂરક સિંચાઇ કરી વધુ પાક ઉત્પાદન મેળવી ભૂગર્ભજળનો વપરાશ ઘટાડી શકાશે.
ક્યાં જિલ્લાઓને લાભ મળી શકે?
રાજ્યના પાણીની અછતવાળા સુરેન્દ્રનગર સહિત રાજકોટ, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ડાંગ અને નર્મદા આમ કુલ ૧૦ જિલ્લાઓમાં કે જ્યાં પાણીના સ્તર નીચા છે ત્યાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન જળસંપત્તિ વિભાગ દ્વારા ફીટ કરી આપવામાં આવનાર છે.
કઈ રીતે લાભ મેળવી શકાય?
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારો વેબસાઇટ g-talavadi.gujarat.gov.in પર તેમજ 'મારી યોજના પોર્ટલ ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આ વર્ષ માટે તા.૦૫.૦૫.૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. આ કામગીરીને લગતી વધુ માહિતી ઓફિશિયલ g-talavadi.gujarat.gov.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમજ હેલ્પ લાઈન નંબર :- ૦૨૭૫૨ ૨૮૨૯૨૦ ઉપરથી વધુ જાણકારી મેળવી શકાય છે.પોર્ટલ ઉપર પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકાદીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઇન ડ્રો કરવામાં આવે છે. ડ્રો દરમિયાન પસંદ થયેલ અરજીઓનું ફિલ્ડ વેરીફીકેશન થયા બાદ યોગ્ય કિસ્સાઓ માટે લાભાર્થી નક્કી કરવામાં આવે છે. અરજી કરવાથી માંડીને ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઈન સ્વરૂપે જ સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી કરવામાં આવે છે. અરજકર્તા ખેડૂતોને SMSથી ડ્રો અંગેની જાણ પણ કરવામાં આવે છે તેમજ વેબસાઈટ પર પણ માહિતી મેળવી શકાય છે.
યોજનાનો લાભ લેવા માટેના આવશ્યક ધોરણો
આ યોજનાનો લાભ મેળવવા માટે ખેત તલાવડીની ઉપરના ભાગે મહત્તમ સાઇઝ ૪૦ x ૪૦ મીટર અને મહત્તમ ૬ મીટર ઉંડાઇ (૧.૫:૧નો ઢાળ) જરૂરી છે રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગ દ્વારા મહત્તમ ૨,૪૬૦ ચો.મીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવે છે. સંજોગોવશાત ખેડૂતો દ્વારા વધારે ખોદાણ કરવામાં આવ્યું હોય એટલે કે ખેત તલાવડીની સાઇઝ વધારે હોય તો નિયત મહત્તમ મર્યાદા કરતાં જેટલા જથ્થામાં જીઓમેમ્બ્રેન વધારે વપરાઈ તેનો ખર્ચ સંબંધિત ખેડૂત ખાતેદારે ભોગવવાનો રહે છે.
અરજી માટે જરૂરી પુરાવાઓ
ઓનલાઈન અરજીમાં ખેડૂત ખાતેદાર દ્વારા જરૂરી વિગતો પૂરી પાડવાની રહે છે. જેમાં ખેડૂતનું નામ, પૂરું સરનામું તથા મોબાઈલ નંબર, ખેડૂતના આધાર કાર્ડની નકલ આપવાની રહે છે.ખેત તલાવડી બનાવવા માંગતા હોય તે ખેતરનો સર્વે નંબર /બ્લોક નંબર તથા વિસ્તાર, ખેતરનાં ૭/૧૨ તથા ૮-અ ના ઉતારાની નકલ, જીઓમેમ્બ્રેન નાખવાની ચોરસમીટરમાં જરૂરિયાતની વિગત, સ્વખર્ચે ખેત તલાવડીનું ખોદાણકામ કરવા અંગે તેમજ તેની મરામત, સાફસફાઈ અને જાળવણી સ્વખર્ચે કરવા અંગેની બાંહેધરી પત્રક સહિતની વિગતોનો પણ સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લાભાન્વિત ખેડૂતો
સુરેન્દ્રનગર જિલ્લામાં ફેઝ - ૧ માં કુલ ૨૬ ખેત તલાવડી ખેડૂતો દ્વારા બનાવવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવી છે. જેના થકી ખેડૂતો ચોમાસા સિવાયના સમયગાળામાં આ ખેત તલાવડીમાં સંગ્રહ થયેલ પાણીનો સિંચાઈ માટે જરૂર પડ્યે ઉપયોગ કરી વધુ પાક ઉપજ મેળવી સમૃદ્ધ થયા છે.