તુવેરની જાતોમાં મુખ્યત્વે ગુજરાત તુવેર-૧, ગુજરાત તુવેર -૧૦૧ અને ગુજરાત તુવેર -૧૦૩, બી.ડી.એન.-૨, જી.જે.પી. -૧નો સમાવેશ થાય છે. સુધારેલી જાતોનું વાવેતર જુન જુલાઈ મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે ૯૦ થી સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫ થી ૩૦ સેંટીમીટરે વાવેતર કરવું.


બીજામૃતનો પટ આપી બીજને છાયડામાં સૂકવી વાવેતર કરવું

રવિ ઋતુ માટે તવેરની ગુજરાત તુવેર -૧૦૨ જાતોનું વાવેતર સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે ૯૦ થી ૧૨૦ સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫ થી ૩૦ સેંટીમીટરે વાવેતર કરવું. બીજ સંસ્કાર અને ઘન જીવમૃત :-સારા ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષ્ણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા તુવેરના બીજને બીજામૃતથી સંસ્કારીત કરવા. બીજામૃતનો પટ આપી બીજને છાયડામાં સૂકવી વાવેતર કરવું.

બીજામૃતની માવજતથી પાક ઉગાવો

બીજામૃતની માવજતથી પાક ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખો. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું, ત્યારબાદ મહિનામાં એકવાર જમીન ઉપર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટો. રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો.પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં શણ કે ઈકકડ કે કઠોળનો પાક લેવો. યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો.

જીવામૃતનો જમીનમાં ઉપયોગ :

વાવેતર બાદ એક એકર જમીનમાં ૨૦૦ લિટર જીવામૃત પાણી સાથે આપવું. ત્યાર બાદ મહિનામાં બે વાર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું અથવા પિયતના પાણી સાથે આપવું.

જીવામૃતનો પાક ઉપર છંટકાવ

પ્રથમ છંટકાવ:-વાવેતરના એક મહિના પછી પ લિટર જીવામૃતને ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.

બીજો છંટકાવ:-પહેલા છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લિટર જીવામૃતને ૧૨૦ લિટર પ સાથે છંટકાવ કરવો.

ત્રીજો છંટકાવ:-બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો

ચોથો છંટકાવ:-ત્રીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૫ લિટર જીવામતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો

પાંચમો છંટકાવ:-ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ 3 લિટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો

છઠ્ઠો છંટકાવ :-પાંચમા છંટકાવના ૨૧ દિવસ બાદ ૧૫ લીટર જીવામૃત ને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.

ચૂસીયા પ્રકારની જીવાત

ચૂસિયા પ્રકારની જીવાત માટે ૩ લીટર નિમાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો. લીમડાનું તેલ પણ વાપરી શકાય છે. ૨૦ મિલી લીમડાનું તેલ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે મિશ્રિત કરી છંટકાવ કરવો. કૃમિ (સુંડી) : ૩ લીટર બ્રહ્માસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો. થડ વેધક, ફળ વેધક, કૃમિ માટે : ૩ લીટર અગ્નિઅસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો.

ફૂગના રોગ

ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતા રોગોના નિવારણ માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી મેળવી છંટકાવ કરો. ખાટી છાશ ૩ થી ૪ દિવસ જૂની હોવી જોઈએ. તો આ રીતે તુવેરના પાકનું પ્રાકૃતિક ખેત પદ્ધતિથી વાવેતર કરવાથી મબલખ ઉત્પાદન મેળવી શકાય છે.

 

  • Follow us on: