- શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, ધોળા દિવસે ફાયરિંગની ઘટના
- સોની વેપારી પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી
- સોની વેપારીને પગમાં ગોળી વાગતાં SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં ફરી એક વખત લૂંટનો બનાવ સામે આવ્યો છે. શહેરના ગાંધી રોડ પતાસાની પોળ પાસે ધોળા દિવસે આ લૂંટનો બનાવ બન્યો છે. જેમાં સોની વેપારીને લૂંટારઓએ પોતાનો શિકાર બનાવ્યો છે. સોની વેપારી પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી છે.
પોલીસનો જાણે કે કોઈને ડર જ ના હોય તે રીતે લૂંટારૂઓએ ધોળા દિવસે લૂંટ મચાવી
શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અને પોલીસનો જાણે કે કોઈને ડર જ ના હોય તે રીતે આ લૂંટારૂઓએ ધોળા દિવસે લૂંટ મચાવી છે. પતાસાની પોળ પાસે આવેલા હિંમતલાલ શંકરલાલ સોની નામની દુકાનમાં આ સમગ્ર બનાવ બન્યો છે. બપોરે 4 વાગ્યાની આસપાસ વિકાસ સોની નામનો વ્યક્તિ દુકાન પર હતો, ત્યારે લૂંટારાઓએ આવીને ગોળી ચલાવી હતી, જે સોની વેપારીને પગના ભાગે વાગી હતી.
સોની વેપારીને પગના ભાગે ગોળી વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયો
ત્યારે વિકાસ સોની નામના સોની વેપારીને પગના ભાગે ગોળી વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને હાલમાં તેમને સારવાર અર્થે શહેરની SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસને ઘટનાની જાણ થતાં જ ખાડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અગાઉ પણ શહેરમાં 1 કિલો સોનાના દાગીનાની લૂંટ થઈ હતી
એક મહિના અગાઉ જ અમદાવાદના કાગડાપીઠ નજીક જવેલર્સનો કર્મચારી માણેકચોકથી દાગીના લઈ નીકળ્યો હતો તે દરમિયાન લૂંટારૂઓ એક્ટિવા પર આવીને 1 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવીને રફૂચક્કર થઈ ગયો હતો. ત્યારે રાજ્યમાં લૂંટારુ ગેંગ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં લૂંટનો બનાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદના કાગડાપીઠ નજીક જવેલર્સનો કર્મચારી દાગીના લઈ નીકળ્યો હતો અને તે વખતે લૂંટારૂ ગેંગે લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ એક્ટિવા પર આવીને 1 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવીને રફૂચક્કર થઈ ગયા હતા.