અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી હોટેલમાંથી યુવતીના મળેલા મૃતદેહ મામલે ક્રાઈમબ્રાન્ચે કાર્યવાહી કરી એક આરોપીની ઘરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં આરોપી તેનો પ્રેમી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે શા માટે પ્રેમીએ જ તેની પ્રેમીકાની હત્યા કરી જોઈએ આ રિપોર્ટમાં.
મૃતક યુવતીએ તેના પ્રેમી ચિંતનને 7-8 લાખ રૂપિયા આપ્યા હતા
ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીનું નામ ચિંતન વાઘેલા છે. તેની પ્રેમિકાની હત્યાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. ચિંતન અને મૃતક નસરીનબાનું વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. આ દરમ્યાન મૃતકે તેના પ્રેમી ચિંતનને 7-8 લાખ રૂપિયા આપ્યા હતા. જેમાંથી કેટલાક રૂપિયા પરત લેવા તેમજ લગ્ન કરવા બાબતે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. નસરીન અમદાવાદ એરપોર્ટના એક કેફેટેરીયામાં કામ કરતી હતી. જેથી આરોપીએ ઝઘડાનું સમાધાન કરવાના બહાને નસરીનને એરપોર્ટની પાસે આવેલી તંદૂર હોટેલમાં તેને મળવા બોલાવી હતી. હોટલમાં માથાકૂટ થઈ હતી અને જેમાં આરોપીએ તેની પ્રેમિકાને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આરોપીએ નસરીનને હોટલમાં મળવા બોલાવી તેનું હોટલમાં જ કાસળ કાઢી નાખ્યુ
કોમ્યુનલ મર્ડરની જાણ થતાં જ શહેરમાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે ક્રાઈમ બ્રાન્ચ આ ઘટનાની તપાસમાં જોડાઈ હતી અને રાત્રે જ ક્રાઈમબ્રાન્ચ આ ઘટનાના આરોપી ચિંતન વાઘેલાની આણંદથી ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચિંતને તેની પ્રેમિકા પાછળ 10-12 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. આ દરમ્યાન આરોપી બેરોજગાર હોવાના કારણે તેણે મૃતક નસરીન પાસેથી ટુકડે ટુકડે 7-8 લાખ રૂપિયા લીધા હતા, જેને પરત લેવા માટે નસરીન દબાણ કરતી હતી. જેના કારણે આરોપીએ નસરીનને હોટલમાં મળવા બોલાવી તેનું હોટલમાં જ કાસળ કાઢી નાખ્યુ હતુ.
પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
મૃતક નસરીન અને આરોપી ચિંતન છેલ્લા 3 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. બાપુનગર વિસ્તારમાં મોલમાં નોકરી કરતી વખતે બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. જો કે નસરીનના લગ્નના દબાણ તેમજ રૂપિયાની ઉધરાણીથી કંટાળીને આરોપીએ આ પગલુ ભર્યુ હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે. હત્યા પાછળનું સાચું કારણ જાણવા એરપોર્ટ પોલીસે આરોપીની કસ્ટડી મેળવી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.













