- અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી 19 ફ્લાઈટ પ્રભાવિત
- દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, ગોવા જતી ફ્લાઇટ પ્રભાવિત
- 30 મિનિટથી 3 કલાક સુધી ફ્લાઇટ મોડી પડી
સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે અને વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ત્યારે અમદાવાદમાં ખરાબ વાતાવરણને પગલે હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે અને અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 19 જેટલી ફ્લાઈટ પ્રભાવિત થઈ છે.
ફ્લાઈટ મોડી પડતા મુસાફરો પરેશાન
તમને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટથી સંચાલિત થતી 19 જેટલી ફ્લાઈટ ખરાબ હવામાનના કારણે પ્રભાવિત થઈ છે. મોટાભાગે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને ગોવા જતી ફ્લાઈટ હવામાનના કારણે પ્રભાવિત થઈ છે, આ તમામ ફ્લાઈટો 30 મિનિટથી લઈને 3 કલાક સુધી મોડી પડી છે, ત્યારે મોટાભાગની ફ્લાઈટ મોડી પડતા તમામ મુસાફરોને પરેશાન થવાનો વારો આવ્યો છે.
રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભાર પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, આણંદ,દાહોદ, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ગુજરાતમાં ચોમાસું સુપર એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા 2-3 દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ પડી રહ્યો છે. હજુ પણ આગામી કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે વરસાદની આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ પડ્યો હતો. નવસારી તાલુકામાં 4.2 ઈંચ, પલસાણામાં 4.1 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જલાલપોરમાં 3.5 ઈંચ અને ઉમરગામમાં 3.4 ઈંચ વરસાદ પડયો છે.