અમદાવાદમાં વર્ષોથી પ્રિ મોન્સૂન એક્શન પ્લાનના બણગા ફૂંકવામાં આવે છે. મનપા દ્વારા ઠોસ પગલા લેવામાં આવ્યા હોવાના દાવા કરાય છે. તે છતાંય ચોમાસામાં શહેરમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ જાય છે. આ વખતે પણ ચોમાસા પહેલા મહાનગર પાલિકામાં પ્રિ મોન્સૂન એક્શન પ્લાન અંગે બેઠક યોજાઈ હતી. જેમાં વરસાદી પાણીના નિકાલ અંગે ચર્ચાઓ થઈ હતી. શહેરના નાગરિકોને ચોમાસામાં સમસ્યાઓનો સામનો ના કરવો પડે તે માટે આયોજન કરવામાં આવશે.
પ્રિ મોન્સૂનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા ચર્ચાઓ
અમદાવાદ મહાનગર પાલિકામાં તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે પ્રિ મોન્સૂન પ્લાન અંગે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ચોમાસા પહેલા શહેરમાં પ્રિ મોન્સૂન પ્લાન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગર પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતાં.બેઠકમાં શહેરમા પ્રિ મોન્સૂનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીના યોગ્ય નિકાલ અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી. શહેરમાં ચોમાસામાં ક્યાં પાણી ભરાય છે તે સ્પોટ પર પાણી ના ભરાય તે અંગેની કામગીરી કરવા સૂચના અપાઈ છે.
ઈમર્જન્સી સ્થળો પર મોકડ્રીલ યોજવા અધિકારીઓને કહેવાયું
શહેરમાં જ્યાં ભૂવા પડે ત્યાં તાત્કાલિક બેરિકેટિંગ કરીને તેનું પુરાણ કરવા સૂચના અપાઈ છે. રોડ રિસર્ફેસની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા નિર્દેષ કરાયો છે. ચોમાસામાં સ્કૂલો અને ઈમર્જન્સી સ્થળો પર મોકડ્રીલ યોજવા અધિકારીઓને કહેવાયું છે. શહેરમાં અત્યાર સુધીમાં 147 વોટર લોગિંગ સ્પોટ પર પાણી ના ભરાય તે માટેની કામગીરી કરાઈ છે. વેસ્ટર્ન ટ્રન્ક લાઇન અને ઇસ્ટર્ન ટ્રન્ક લાઇનનું કામ ઝડપી પૂર્ણ કરવા આદેશ કરાયો છે.
27 ઓટો રેન ગેઝથી કેટલો વરસાદ પડ્યો તેની ખબર પડશે
અમદાવાદ શહેરમાં 27 ઓટો રેન ગેઝ મુકવામાં આવ્યાં છે. જેનાથી 15 મિનિટમાં કેટલો વરસાદ પડ્યો તેની ખબર પડશે.આ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે પણ નાગરિકો વરસાદને લગતી ફરિયાદો કરી શકશે. શહેરમા ઝોન દીઠ ફરિયાદ નંબર શરૂ કરાશે. શહેરમા 24 અંડરપાસમાં હેવી કેપેસીટીના પંપ મુકાશે. શહેરમાં 68443 કેચપીટની બે વખત સફાઈ કરવામાં આવી છે. શહેરમાં ભારે પવન અને વરસાદની સ્થિતિમાં ઝાડ પડવા અંગે ફાયર અને ગાર્ડન વિભાગ કામગીરી કરશે.