અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 2 જૂનના રોજ માત્ર એક જ દિવસમાં 50 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. હાલમાં શહેરમાં કોરોનાના 197 એક્ટિવ કેસ છે, ત્યારે એક અઠવાડિયામાં 2 દર્દીનું કોરોના વાયરસના કારણે મોત પણ થયું છે. શહેરની એલ.જી.હોસ્પિટલમાં 18 વર્ષની મહિલાનું કોરોનાથી મોત થયું છે તો ગઈકાલે એટલે કે 1 જૂનના રોજ પણ 47 વર્ષિય મહિલાનું કોરોનાથી મોત થયું હતું. આમ, અમદાવાદમાં કોરોનાથી 2 લોકોના મોત થયા છે.
કોરોનાના વધતા કેસ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શું કહ્યું ?
રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે કોરોનાએ ઓમિક્રોન વેરીએન્ટનું સબ વેરીએન્ટ છે, હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. આ હવે એક સબ વેરિયન્ટ નિમોનિયા માફક થઈ ગયું છે. આ તો જીવનનો એક હિસ્સો થયો છે. મૃત્યુ થવાના બીજા પણ કારણો પણ હોય શકે છે. કોઈને નાના મોટા પ્રકારની સાથે બીમારીઓ હોય છે, જો સમયસર સારવાર ન લેવામાં આવે તો પણ મૃત્યુ થયું હોઈ શકે છે.
દેશમાં કોરોનાના 3961 એક્ટિવ કેસ
તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં કોરોના વાયરસના 3,961 એક્ટિવ કેસ નોંધાયા છે. કેરળમાં 1,435, મહારાષ્ટ્રમાં 506 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 360 નવા કોરોનાના કેસ દેશભરમાં નોંધાયા છે, ત્યારે કોરોનાથી કેરળમાં 1 અને કર્ણાટકમાં 1 વ્યક્તિનું મોત થયું છે. દેશમાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસ કેરળમાં છે, જ્યારે સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. નિષ્ણાંતો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોરોનાથી ગભરાવવાની જરૂર નથી પણ થોડી વધારે સાવચેતી રાખવાની જરૂર છે.