અમદાવાદ ખાતે આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલી ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. ગુજરાત સરકાર આજે સતત બેઠકો પર બેઠકો યોજી રહી રહી છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા 2 દર્દીઓના મોતના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ મામલે રાજ્ય સરકાર ફરિયાદી બનશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઇ હતી. આ મામલે પોલીસે કરેલી કામ કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. આ બેઠક પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલની ગંભીર બેદકારી સ્વિકારી હોવાની પણ માહિતી પ્રાપ્ત થયા છે. હોસ્પિટલ અને ડોક્ટરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેના ભાગરૂપે હોસ્પિટલનું લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે.
આરોગ્ય કમિશનરને રિપોર્ટ સોંપાશે
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતાં. જયાં બે દર્દીઓના મોત થતાં સગાસબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યાં છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવુ લાગી રહ્યુ છે. આ જોતાં હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. બીજુ કે, નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વઘુ નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે, આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ના જોડાઈ શકે, ડૉક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ના કરી શકે ત્યાં સુધી સસ્પેન્સનના પગલા પણ લેવામાં આવી શકે છે.
આરોગ્ય કેમ્પ ન થાય તે માટેની કાર્યવાહી
આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ સર્ક્યુલર જાહેર કરીને પીએમજેવાયએ યોજના હેઠળ કોઈ આરોગ્ય કેમ્પ ન થાય તે માટે કાર્યવાહી કરાશે. જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. નોંધનીય છે કે, આરોગ્ય કેમ્પ કરી હોસ્પિટલ સંચાલકોને એકપણ રૂપિયાનો ખર્ચો થશે નહીં, લાવવા લઈ-જવા સાથે મફતમાં સારવાર કરી આપવામાં આવશે તેમ કહી દર્દી સાથે લોભામણી વાતો કરે છે.
કમિટી દ્વારા ઓપરેશનની સીડી ચકાસાઈ
આ મામલે રચવામાં આવેલી સમિતિ દ્વારા જે પણ 7 દર્દીમાં સ્ટેન્ટ મૂકાયા તેમની સીડી અને મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરાઇ રહ્યો છે. આ અભ્યાસ કરાયા બાદ તેઓ તેમનો રીપોર્ટ આરોગ્ય વિભાગને આપશે.