• અમદાવાદમાં AMCના આરોગ્ય વિભાગનું મચ્છરના બ્રિડિંગને લઈને હાથ ધરાયુ ચેકિંગ

  • નવરંગપુરા સ્ટેડિયમ નજીક શ્યામ હાઈટ્સને કરી સીલ
  • મચ્છરનું બ્રિડિંગ મળી આવતા કરાઈ કાર્યવાહી

અમદાવાદ શહેરમાં કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અચાનક હરકતમાં આવ્યો છે અને AMCના આરોગ્ય વિભાગે શહેરમાં ચેકીંગ હાથ ધર્યુ છે. મચ્છરના બ્રિડિંગને લઈને કન્સ્ટ્રક્શન સાઈટો પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ છે અને કેટલીક સાઈટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી છે.

કન્સ્ટ્રક્શન સાઈટ્સ પરથી મચ્છરનું બ્રિડિંગ મળી આવતા કરાઈ કાર્યવાહી

શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્ટેડિયમ નજીક આવેલી શ્યામ હાઈટ્સ નામની સાઈટ્સને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે. આ કન્સ્ટ્રક્શન સાઈટ્સ પરથી મચ્છરનું બ્રિડિંગ મળી આવ્યુ હતું અને ત્યારબાદ આ કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવી છે. ચોમાસામાં વરસાદ બાદ પાણી ભરાઈ રહેતા મચ્છરના બ્રિડિંગ ત્યાં થાય છે.

શહેરમાં વધતા જતા રોગચાળાને લઈ તંત્ર સર્તક

ઉલ્લેખનીય છે કે શહેરમાં વધતા જતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ સતર્કતા દાખવી રહ્યો છે અને શંકાસ્પદ લાગે તે સ્થળ પર ટીમ દ્વારા કડક ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે. આ પહેલા પણ આરોગ્યની ટીમ દ્વારા કેટલાક વેપારીઓને સ્વચ્છતા નહીં જાળવવાને લઈને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના ચેકિંગને લઈને શહેરની અન્ય કન્સ્ટ્રક્શન સાઈટ્સમાં પણ ફફડાટ ફેલાયો છે અને તમામ લોકો મચ્છરનું બ્રિડિંગ અને અન્ય ગંદકી ના થાય તેને લઈને સાવચેતી રાખી રહ્યા છે.

જામનગરમાં પણ ફૂડ વિભાગ હરકતમાં

જામનગરમાં વધી રહેલા રોગચાળા વચ્ચે ફૂડ વિભાગની ટીમ હરકતમાં આવી છે અને શહેરમાં ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઠંડાપીણાં, નાસ્તા અને પાણીપુરીની લારીઓમાં ચેકીંગ કરવામાં આવ્યું છે અને વેપારીઓને સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવેલી છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 44 જેટલી પાણીપુરી લારીઓનું ચેકીંગ કરાયુ અને જેમાં ફૂડ વિભાગ દ્વારા અલગ -અલગ જગ્યાએથી 582 લીટર પાણીપુરીનું પાણી અને 38 કિલો પાણીપુરીનો માવો, 2000 નંગ પાણીપુરી, 1 કિલો ચટણી તથા 10 કિલો બરફનો નાશ સ્થળ પર જ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં હાલ કોલેરા અને ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આવા રોગચાળા દરમિયાન ફૂડ વિભાગની આ કામગીરી કરવામાં આવતા અન્ય ઘણા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

  • Follow us on: