અગામી ત્રણ કલાક રાજયમાં વલસાડ, નર્મદા, ભરૂચ,પંચમહાલ, દમણ, રાજકોટ,દાદરા નગર હવેલી, ભાવનગર,અમરેલી, ગીરસોમનાથ,દીવ, જામનગર, પોરબંદર,કચ્છ, મોરબી, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ,સુરેન્દ્રનગર, બોટાદ, મહેસાણા,અમદાવાદ, ગાંધીનગર, ખેડા,અરવલ્લી, મહીસાગર, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે વહેલી સવારે અરવલ્લીના માલપુરમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આજે 27 તાલુકામાં વરસાદ નોંધાયો
આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 16 MM વરસાદ વરસ્યો છે. રાજ્યનો સિઝનનો એવરેજ 23.12 ટકા વરસાદ નોંધાયો છે.
અમરેલીમાં સવારથી વરસાદ
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ ફરી છવાયો છે. વડીયામાં આજે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. જેથી રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. 4 દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ જિલ્લામાં યલો એલર્ટ અપાયું
આજે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.