અમદાવાદના જૂના વાડજમાં એક મહિલાની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.ઓડ વણઝારાના ટેકરા ખાતે રહેતી મહિલા રાત્રે ઘરમાં સૂતી હતી.બે શખ્સો મહિલાના મકાનની મેઇન સ્વીચ બંધ કરીને ઘરમાં ઘૂસ્યા હતા.મહિલાને બહાર લઇ જઇને હથિયારોથી હુમલો કરી હત્યા કરી નાખી હતી.માતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર પર પણ આરોપીઓએ હથિયારથી હુમલો કર્યો હતો.આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધી હત્યા પાછળનું કારણ અને આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી છે.


આધેડ વયની મહીલા ફુલીબેન ઓડની હત્યા

અમદાવાદ શહેરના જુના વાડજ વિસ્તારમાં આધેડ વયની મહીલા ફુલીબેન ઓડની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે.જુના વાડજ બસ સ્ટેન્ડ નજીક આવેલ ઓડના ટેકરા પર ફુલીબેન તેમના નાના પુત્ર,પતિ અને પૌત્ર સાથે રહે છે.શનિવારે રાત્રીના સમયે તેઓ ઘરના બહારના રૂમમાં સુતા હતાં અને તેમનો પુત્ર આશીષ અંદરના રૂમમાં સુતો હતો.જો કે રાત્રીના બે વાગ્યાની આસપાસ અચાનક લાઇટો બંધ થઇ જતાં ફુલીબેનનો પુત્ર બહાર આવ્યો હતો અને જોયુ તો તેમની માતા ઘરની સામેની બાજુમાં બેઠા બેઠા રડતા હતાં.જેમની પાસે બે શખ્સો ઉભા હતાં જેમણે ફુલીબેન પર હથિયાર વડે હુમલો કર્યો હતો.

પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી

આ ઘટના બાદ આશીષે પણ આ બંન્ને શખ્સોને પકડવાનો પ્રયાસ કરતા તેઓ આશીષને પણ પેટના ભાગે છરી મારીને ફરાર થઇ ગયા હતાં. જો કે બુમાબુમ થતા આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતાં.ઇજાગ્રસ્ત હાલતમાં માતા પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.પરંતુ સારવાર દરમિયાન ફુલીબેનનું મૃત્યુ થયું હતું.સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

બનાવ સ્થળેથી એક છરી પણ મળી આવી

પોલીસને તપાસ દરમિયાન બનાવ સ્થળેથી એક છરી પણ મળી આવી હતી.ફુલીબેન ક્યારેક ક્યારેક લોકોને વ્યાજે રૂપીયા પણ આપતા હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસની અલગ અલગ ટીમો બનાવી એફ એસ એલની મદદ લઇને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. જો કે મૃતકને કોઇની સાથે અગાઉની અદાવત કે ઝઘડો પણ ના હોવાનું સામે આવ્યું છે. ત્યારે આખરે કોણે અને શા માટે હત્યા કરીએ પોલીસ તપાસ બાદ જ હકીકત જાણવા મળશે.


  • Follow us on: