અમદાવાદના વાડજ વિસ્તારમાંથી ગણપતિપુરા દર્શન કરવા જઈ રહેલા એક પરિવારને રસ્તામાં કાળ ભેટ્યો હતો. બાવળા-સાણંદ ચોકડી પાસે એક નશામાં ધૂત ટ્રેલર ચાલકની બેદરકારીને કારણે સર્જાયેલા અકસ્માતમાં ઈકો કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બે અન્ય વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદના વાડજથી એક પરિવાર પોતાની ઈકો કાર લઈને વહેલી સવારે ગણપતિપુરા દર્શન કરવા માટે નીકળ્યો હતો. કાર જ્યારે બાવળા-સાણંદ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પથ્થરો ભરેલા એક ટ્રેલરના બેલ્ટ અચાનક તૂટી પડ્યા હતા. બેલ્ટ તૂટતા જ ટ્રેલરમાં લદાયેલા મહાકાય પથ્થરો સીધા ચાલુ ઈકો કાર પર ખાબક્યા હતા. પથ્થરો પડવાને કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ઈજાગ્રસ્તોની સ્થિતિ
આ અકસ્માતમાં કારમાં સવાર બે નિર્દોષ બાળકો અને એક પુરૂષને ગંભીર ઈજાઓ પહોંચી છે. સદનસીબે અન્ય બે મુસાફરો આ ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયા હતા. અકસ્માતને જોતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 ની ટીમે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બાવળાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
પોલીસે પીછો કરી નશાખોર ડ્રાઈવરને ઝડપ્યો
અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક ઉભો રહેવાને બદલે પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ટ્રેલર ચાલક દારૂના નશામાં ધૂત હતો અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યો હતો. બનાવની ગંભીરતા જોઈ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી ટ્રેલરનો પીછો કર્યો હતો અને અંતે રૂપાલ ચોકડી પાસેથી ચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad News: લસુન્દ્રાની પાટીદાર દીકરીની હત્યાની આશંકા, સરકાર કોઈપણ સંજોગોમાં તેને પરત અપાવે : દિનેશ બાંભણિયા